વેસુના મજૂર પરિવારના બાળકનું મહાનગર પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ઈલેક્ટ્રીક વાયર અથડાતા મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હોબાળો શરૂ કર્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં બાળકના પરિવારજનો સાથે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સંબંધીઓ અને સ્થાનિક લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ભારે હોબાળો બાદ આખરે પરિવારે બાળકનો મૃતદેહ સ્વીકારી લીધો અને તેના અંતિમ સંસ્કાર કર્યા.
મળતી માહિતી મુજબ, વેસુના એસએમસી આવાસમાં રહેતો 10 વર્ષનો જય શશીકાંત ઝાલ્ટે રવિવારે સાંજે ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે નજીકમાં મહાનગરપાલિકા દ્વારા ખોદકામની કામગીરી ચાલી રહી હતી, જેમાં સ્ટ્રીટ લાઈટના વાયર ખુલ્લા પડી ગયા હતા. આ વીજ વાયર સાથે અથડાતા બાળકની હાલત નાજુક બની હતી. પરિવારજનો તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતકના કાકા કાશીનાથે જણાવ્યું કે બિલ્ડીંગના મુખ્ય દરવાજાની બહાર મહાનગર પાલિકા દ્વારા પાણીની લાઇન માટે ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડો છેલ્લા 15 દિવસથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. ખાડામાંથી સ્ટ્રીટ લાઈટનો વાયર નીકળી ગયો છે. રવિવારે સાંજે 10 વર્ષનો જય શશીકાંત ઝાલને રમતી વખતે અચાનક ખાડામાંથી નીકળતા વાયરની ચપેટમાં આવી ગયો હતો. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે બાળકે જીવ ગુમાવ્યો છે. બે બહેનોમાં તે એકમાત્ર ભાઈ હતો. પિતા શશિકાંતનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું. માતા ઘરકામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. જય પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણનો વિદ્યાર્થી હતો.