રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા સંવેદના યાત્રા થકી લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા થકી લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફતેપુરા તાલુકાના ઈંટામાં 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગે છે. દાહોદ જિલ્લામાં નવું સંગઠન માળખું તૈયાર થઇ ચૂક્યુ છે. આ ઉપરાંત અલગ અલગ રાજકીય કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લાના ઈંટા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકર્તાઓ ભાજપમાં જ પાટવેલ ગામના સરપંચ નાથ ગરવાલા, વલુડી ગામના સરપંચ સુરેશ બરજોડ, ઘુઘસ કોંગ્રેસના મહિલા સભ્યના ઉમેદવાર વાલસીંગ પારગી, ભીચોર ગામના સરપંચ છગન પારગી, તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સરલા પારગી આ ઉપરાંત ભાભોરના 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ શંકર આમલીયર, ધારાસભ્ય રમેશ કટારા, ચેરમેન પ્રફુલ ડામોર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, તાલુકા પ્રમુખ રામા પારગી સહિત કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા ખેડાની મહુધા વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. મહુધા, વાસણા અને ચુણેલ ગામના કોંગ્રેસના 500 જેટલા કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. આ કાર્યકર્તામાં વાસણા ગામના સરપંચ અનુ પટેલ, ઉપસરપંચ સુભાષ સોઢા સાથે ગ્રામ પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે.
કાર્યકર્તાઓને ભાજપનો ખેસ ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને તાલુકા ભાજપના પ્રભારી રાજન દેસાઇ દ્વારા પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. રાજ્યમાં કોંગ્રેસને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. ગુજરાત પ્રદેશના નેતૃત્વને લઈને પણ હજુ સુધી હાઇકમાન્ડ કોઈ નિર્ણય કરી શક્યું નથી. સુરત મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.