ઓગસ્ટ મહિનામાં આઉટસોર્સિંગથી ભરતી કરાઈ હતી
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષ ઓગસ્ટ મહિનામાં 109 લિવ રિઝર્વ ફિમેલ હેલ્થ વર્કરની 11 માસ કરાર પર આઉટસોર્સિંગમાંથી ભરતી કરવામાં આવી હતી. આ કર્મચારીઓ પૈકી 97 કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા હાલત કફોડી બની છે. સતત 3 મહિનાથી પગાર નહીં થવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
મહેસાણા જિલ્લામાં ઓગસ્ટ 2021માં આરોગ્ય વિભાગ દ્વારા 109 જેટલા લિવ રિઝર્વ ફિમેલ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવી હતી. આ કર્મચારીઓ પૈકી 12 જેટલી મહિલા કર્મચારીઓ દ્વારા ટુંકજ સમયમાં નોકરી છોડી દેવામાં આવી હતી. જ્યારે 109 પૈકી 97 કર્મચારીઓને કોરોનાની ત્રીજી લહેરમાં કામગીરી પણ સોંપવામાં આવી હતી. PHC લેવલની ભરતી કરાયેલા કર્મીઓ ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પગારથી વંચિત રહ્યા છે. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ ગ્રાન્ટના અભાવે આ પગાર ચુકવવામાં આવ્યો નથી તેવું જાણવા મળ્યું છે.