કોરોનાની મહામારી વચ્ચે અનેક નવા રોગો સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં કેસમાં પણ ખૂબ જ વધારો થયો હતો પણ હવે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું છે. બીજી લહેર બાદ લોકોમાં હ્યદય, ફેફસા, પેટ વગેરેને લગતી લાંબા ગાળાની ઘણી તકલીફો વધી રહી છે. આ ઉપરાંત કોરોનાની સારવાર લીધા બાદ ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની બીમારી ધરાવતા દર્દીઓએ પર બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસનો પણ ખતરો વધ્યો હતો. ત્યારે કરોનાની મહામારી વચ્ચે વધુ એક સમસ્યા સામે આવી છે. કોરોનાની મહામારી વચ્ચે વાળ ખરવાની તકલીફમાં વધારો થઈ રહ્યો છે.
કોરોનાની બીજી લહેર એપ્રિલ અને મે મહિનાના પીક પર હતી. પણ હવે સંક્રમણ ઓછું થયું છે. પણ લોકોની સમસ્યામાં વધારો થયો છે. હવે લોકોને મોટા પ્રમાણમાં માથાના વાળ ઉતરતા હોવાની ફરિયાદ ઉઠી છે. તેથી લોકો ડર્મેટોલોજિસ્ટ અને MD પાસે જઈ રહ્યા છે. આ બાબતે એક ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટરે જણાવ્યું હતું કે, એમ મહિનાથી વાળ ખરવાની ફરીયદો વધવાની ફરિયાદ થઇ છે. રોજના 7થી 10 દર્દીઓ આવી રહ્યા છે. દર્દીની ફરિયાદ હોય છે કે, પુષ્કળ વાળ ઉતરી રહ્યા છે.
ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં તો દર્દીના વાળ 60% સુધી ઉતરી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિની મેડીકલ ભાષામાં એફ્લુંવિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે સ્ટ્રેસ, માંદગી અને દવાના કારણે ડેમેજ થયેલા વાળ બે મહિના પછી ખરવાનું શરૂ થાય છે.
બીજા ડૉક્ટરે જણાવ્યું હતું કે, કોરોના થયા પછી વ્યક્તિમાં B-12 અને D-3ની ઉણપ હોવાથી વાળ ખરવા લાગે છે. આ વાળ ખરવાની શરૂઆત 8થી 9 અઠવાડિયા પછી થાય છે. જેથી દર્દીને વાળને ખરતા રોકવા માટે ત્રણથી 4 મહિના સુધી સપ્લીમેન્ટ્સ લેવા પડે છે. જો આ સપ્લીમેન્ટ્સ યોગ્ય રીતે લેવામાં ન આવે તો દર્દીને લાંબો સમય સુધી વાળ ખરવાની પરિસ્થિતિ સર્જાય શકે છે.
કોરોના સંક્રમિત થઇ ચૂકેલા એક મહિલા દર્દીએ જણાવ્યું હતું કે, પહેલા જે વાળ ઉતરતા હતા તેના હતા હવે 10 ગણા વધારે વાળ ઉતરી રહ્યા છે. જ્યારે ડોક્ટર પાસે ગઈ તે સમયે ડોક્ટરે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વાળ ઉતરી રહ્યા છે. દર્દીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા માથામાં વાળનો જથ્થો ખૂબ જ વધારે હતો. ક્યારેય પણ ટાલ દેખાતી નહોતી. પણ હવે એટલા વધારે વાળ ખરવા લાગ્યા છે કે. ટાલ દેખાવા લાગી છે. પહેલા તો મને થતું હતું કે, બોરના પાણીના કારણે વાળ ઉતરે છે.