રાજકોટના ખોખલદળ ગામ પાસે આજે મોડી રાત્રે એક કાર પુલના ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ રાજ્યમાં ત્રણ જગ્યાએ અકસ્માતની ઘટનાઓ બની હતી.
જેમાં અંબાજી કૈલાશ ટેકરીના ઢોળાવ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી અને તે બળીને ખાખ થઈ ગઈ હતી. અંબાજીમાં ઇકો અને ડસ્ટન રેડિગો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ જોરદાર ધડાકા સાથે આગ લાગતા રેડિગો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
ચાલક સમયસર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો કે અકસ્માત બાદ મંદિર ટ્રસ્ટની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. બીજી તરફ કચ્છના પડાણા-વરસાણા વચ્ચે કોઈ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
જ્યારે 4 થી 5 લોકો ઘાયલ થયા હતા. સુરેન્દ્રનગરની નલીમબાડી નવયુગ સોસાયટીમાં ગઈકાલે એક કારમાં અચાનક આગ લાગતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. જેમાં વહેલી સવારે ચાલતી વાનમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. વાનમાં અચાનક લાગેલી આગને કારણે વાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સુરેન્દ્રનગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.