૨૨ ઓગસ્ટ એટલે આજે આખો દેશ રક્ષાબંધનના પવિત્ર દિવસ ની ઉજવણી કરશે. ભાઈના કાંડા પર બહેન રક્ષા નું બંધન બાંધશે અને ભાઈ ના રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરશે. ત્યારે આજે એક એવા ગામ ની વાત કરવી છે કે જે ગામ ના લોકો રક્ષાબંધન ને અશુભ માને છે. એટલે તે ગામ ના લોકો દર વર્ષે રક્ષાબંધન ના આગળ ના દિવસે ભાઈના હાથે રાખડી બાંધી ને રક્ષાબંધન ની ઉજવણી કરે છે. ૨૦૦ વર્ષ પહેલા બનેલી આ ઘટના ના કારણે આજે પણ આ ગામમાં લોકો રક્ષાબંધન ની ઉજવણી કરી નાખે છે. રક્ષાબંધનના પર્વને અશુભ માનતું ગામ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરથી 8 કિલોમીટર દૂર આવેલું છે અને તેનું નામ છે ચડોતર ગામ. ચડોતર ગામના લોકોએ શનિવારના રોજ રક્ષબંધનની ઉજવણી કરી નાંખી હતી. લોક વાયકા અનુસાર વર્ષો પહેલા આ ગામમાં એક રોગચાળો ફાટી નીકળ્યો હતો.આ રોગચાળાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
તેથી તેઓ રોગચાળાથી મૂકતી મેળવવા માટે ગામના મંદિરે બેસેલા એક મહાત્મા પાસે ગયા હતા. તેથી પૂજારીએ ગામના લોકોને સુચન કર્યું હતું કે, ચડોતર ગામની સુખ, શાંતિ અને સલામતી માટે ગામની દીકરીઓને રક્ષાબંધનની ઉજવણી એક દિવસ કરવામાં આવે. ત્યારથી લઇને આજ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ત્યારબાદ સાધુએ ગામના લોકોને આખા ગામમાંથી દૂધ ભેગું કરીને આખા ગામના ખૂણે-ખૂણે છંટકાવ કરવાનું જણાવ્યું હતું. ગામ લોકોએ દૂધનો છંટકાવ કરતાની સાથે જ બધું શાંત થઇ ગયું હતું. ત્યારપછીથી ગામના લોકોએ ક્યારેય પણ રક્ષબંધનના દિવસે કોઈને રાખડી બાંધી નથી. ગામના લોકો રક્ષાબંધનના એક દિવસ પહેલા જ તહેવારની ઉજવણી કરે છે.
આ બાબતે ચડોતર ગામના પૂજારી દિપક શાસ્ત્રીનું કહેવું છે કે, વર્ષો પહેલા આમારા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેના કારણે જ ગામના લોકો ખૂબ જ ભયભીત થઇ ગયા હતા. તો ઉપસરપંચ તેજમલજી જસાતરે કહ્યું હતું કે, ગામમાં રોગચાળો ફાટવાના કારણે સાધુ મહાત્માએ ઉપાય બતાવ્યો હતો કે ગામમાં રક્ષાબંધનના દિવસે કોઈ પણ બહેન તેના ભાઈને રાખડી નહીં બાંધે. આજે પણ ચડોતર ગામે આ વર્ષો જૂની પરંપરા જીવંત રાખી છે અને દર વર્ષે રક્ષબંધનના આગળના દિવસે લોકો ધામધૂમથી રક્ષબંધનની ઉજવણી કરે છે.