પર્યાવરણ ને બચવા ની વાત આવે ત્યારે લોકો એકાએક સક્રિય થઇ જાય છે. પણ દૂધના ઉભરા જેવું કામ કરી ને સૌ હાંસિયા માં રહી જાય છે. ઘણા ઓછા એવા લોકો હોય છે જે અડગ ઉભા રહીને અસાધારણ અને સામાન્ય કામ કરી જાય છે. આવો જ એક યુવાન છે સિદ્ધાંત કુમાર, જે ડેનિમ ડેકોર નામથી પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે.
જે જુના થઈ ગયેલા ડેનિમ જીન્સમાંથી અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરે છે. જેની આજે દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલી જ મોટી માંગ છે. જુના જીન્સને અપસાયકલ કરી ઈકો ફ્રેન્ડલી અને મસ્ત પ્રોડક્ટ બનાવે છે. IITમુંબઈમાંથી ડીઝાઈનમાં માસ્ટર્સ કરનાર સિદ્ધાંત મૂળ બિહાર નિવાસી છે. અભ્યાસ પૂરો થયા બાદ બેંગ્લોરની એક કંપનીમાં જોબ મળી હતી. પણ તે કંઈક અલગ કરવા માગતો હતો. વર્ષ 2012માં તે દિલ્હી ગયો. ત્યાં સ્ટાર્ટ અપ ચાલું કર્યું અને ઓન ધ ટેબલ ગેમ્સ બનાવતો.
આ સાથે જુની ડેનિમ જીન્સમાંથી વસ્તુઓ બનાવવાનું ચાલું કર્યું. આ અંગે સિદ્ધાંત કહે છે કે, દિલ્હીમાં ભાડે મકાન રાખી રહેતો, એ ઘરની દિવાલ ખૂબ સાદી હતી. પછી એના પર કંઈ કલા-કારીગીરી કરવાનું વિચાર્યું. મને કંઈ સુઝ્યું નહીં એટલે જુની જીન્સનો ઉપયોગ કરી, દિવાલ ડેકોરેટ કરી દીધી. જે કોઈ ઘરે આવતું એ પૂછતું કે, આવું કેવી રીતે કર્યું? પછી આ જ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. પછી જુની એન્ટિક વસ્તુની ખરીદી ચાલું કરી. જેમ કે, જુનો ટેલિફોન, લાઉડસ્પીકર વગેરે. આ બધાને ડેનિમનો ઉપયોગ કરી નવું રૂપ આપ્યું. જ્યારે આ પ્રકારના 40થી 50 ઉત્પાદન તૈયાર થઈ ગયા તો વર્ષ 2015માં પહેલી વખત સિટી મોલમાં એક પ્રદર્શન રાખ્યું. એ સમયે ઘણી સકારાત્મક પ્રતિક્રિયા મળી હતી.
એનાથી આ ક્ષેત્રે કરિયર બનાવી. પહેલું સ્ટાર્ટ પણ થોડા સમય સુધી ચાલ્યા બાદ મુશ્કેલીઓ પડી. પછી ફોક્સ ડેનિમ પર કર્યું. કારણ કે એ આઈડિયા અને ઉત્પાદન લોકોને ખૂબ પસંદ પડ્યા. શરૂઆતમાં ઓળખીતા પાસેથી આવી જીન્સ લાવ્યો. પછી નક્કી કર્યું કે, આને એક ઉદ્યોગ જેવું રૂપ આપવું છે તો વાંસણના બદલામાં કપડાં લઈ જનારાઓનો સંપર્ક કર્યો. પછી એની સાથે ટાઈઅપ થયું. જુના કપડાંમાં ઘણા સારા જીન્સ મળતા. હાલ તે જુની ડેનિસ જીન્સમાંથી ૪૦૦ જેટલા ઉત્પાદન બનાવે છે. એ પણ બધા યુનિક. જેમાં બેગ, ડાયરી, પેન સ્ટેન્ડ, બોટલ, સોફાના કવર, પદડા, લાઉડ સ્પીકર, ઘડિયાળ, સાઈડ પાઉચ, પાકિટ, ફાઈલ કેસ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, આવું બનાવવામાં ખૂબ જ ઓછું વેસ્ટ નીકળે છે. જે કતરણ કે કટકા બચે છે એમાંથી પણ તે પોટ્રેટ કે શૉ પીસ બનાવી નાંખે છે.
એમની પાસેથી વસ્તુ લેનારા અનુપ કહે છે કે, એની બધી વસ્તુ ખૂબ યુનિક છે. ડેનિમ ડેકોર હાલ દિલ્હીમાં આવેલું છે. એની ગુણવત્તા પણ બેસ્ટ છે. જીન્સને જો કચરામાં ફેંકી દેવામાં આવે તો નુકસાન થાય છે. દર મહિને સિદ્ધાંત ૧૦૦૦ જુના જીન્સ અપસાયકલ કરે છે. એમની સાથે હાલમાં ૪૦ લોકોની એક આખી ટીમ કામ કરી રહી છે. તે કહે છે કે, સામાન્ય માણસની સાથે મોટી બ્રાંડ ધરાવતા લોકો પણ અમારી વસ્તુ ખરીદે છે. ડેનિમ વેચનારા ઘણા ડીલર્સ પણ અમારી વસ્તુઓ ડેકોરેશન માટે લઈ જાય છે. આમા એક પણ કપડું નવું નથી.