ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ ની ત્રીજી મેચ બુધવારે લીડ્સમાં રમાવાની છે. આ મુકાબલો ભારત ના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ઘણો ખા સ બની શકે છે. તે ૧૦૦ વિકેટ લેવાથી માત્ર ૫ વિકેટ દૂર છે. બુમરાહે ૨૨ ટેસ્ટ માં ૯૫ વિકેટ લઇ લીધી છે અને જો તે લીડ્સ માં ઇંગ્લેન્ડ ના ૫ બેટ્સમેનોને આઉટ કરી દેશે તો તે મહાન ક્રિકેટર કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખશે.
જસપ્રીત બુમરાહ ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી ઝડપી ૧૦૦ વિકેટ લેનારો પેસ બોલર બની જશે. કપિલ દેવની વાત કરીએ તો, તેમણે ૨૫ ટેસ્ટમાં ૧૦૦ વિકેટો લીધી હતી. આ મુકામ સુધી પહોંચવાનો મતલબ એ પણ થશે કે બુમરાહ મનોજ પ્રભાકર (96 ટેસ્ટ વિકેટ) અને વેંકટેશ પ્રસાદ (95 ટેસ્ટ વિકેટ)ને પાછળ છોડી દેશે. ભારત માટે અત્યારસુધી ૭ બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ થી વધુ વિકેટો લીધી છે. આ લિસ્ટમાં કપિલ દેવ, ઝાહીર ખાન, જવાગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, કરસન ઘાવરી, ઈરફાન પઠાણ અને મોહમ્મદ શામીનું નામ સામેલ છે.
ઓવરઓલ ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવામાં અનિલ કુંબલે પહેલા સ્થાન પર છે. તેના નામ પર ૬૧૯ વિકેટો નોંધાયેલી છે. જ્યારે સૌથી ઝડપી ૧૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્ર અશ્વિનના નામે છે. તેણે પોતાની ૧૮ મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરોની વાત કરીએ તો, આ ક્રમમાં સૌથી પહેલા ક્રમે ૧૩૨ મેચોમાં ૬૧૯ વિકેટ લઈ અનિલ કુંબલે છે, તેના પછી ૧૩૧ ટેસ્ટમાં ૪૩૪ વિકેટ પર કપિલ દેલ, ૧૦૩ ટેસ્ટમાં ૪૧૭ વિકેટ લેનારો હરભજન ત્રીજા ક્રમે, ચોથા ક્રમે આર અશ્વિન છે, જેણે ૭૯ મેચોમાં ૪૧૩ વિકેટ લીધી છે, તેના પછી ૧૦૩ મેચમાં ૩૧૧ વિકેટ લેનારો ઈશાંત શર્મા અને ૯૨ મેચમાં ૩૧૧ વિકેટ સાથે છેલ્લાં ક્રમે ઝાહિર ખાન છે.
બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં દમદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 2 મેચમાં 12 વિકેટ લઈ લીધી છે. તેણે ટ્રેન્ટ બ્રિઝ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં તેણે બોલિંગ સાથે બેટિંગમાં પણ કમાલ કરી દીધો હતો. બીજી ઈનિંગમાં તેણે મોહમ્મદ શામી સાથે મળીને 9મી વિકેટ માટે 89 રનની પાર્ટનરશીપ બનાવી હતી. તેના પછી તેણે ઈંગ્લેન્ડની 3 વિકેટો લીધી હતી અને ભારતની 151 રનોથી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લીડ્સમાં બુમરાહ પાસે 100 વિકેટ લેવાની તક તો છે જ, સાથે ઈશાંત શર્મા પાસે ઝાહીર ખાનથી આગળ નીકળવાની પણ તક રહેશે. ટેસ્ટમાં ઈશાંત અને ઝાહીર ખાનના નામ પર 311 વિકેટો છે. ઝાહીરે 92 મેચોમાં 311 વિકેટો લીધી છે, તો ઈશાંતે આટલી વિકેટો લેવા માટે 103 ટેસ્ટ રમી છે.