રાજ્યમાં કોરોનાની બીજી લહેર વચ્ચે પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંકમાં વધારો થયો હતો. તો બીજી તરફ હોસ્પિટલની બહાર બેડ મેળવવા માટે પણ લોકોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરીને કારણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે. રાજ્યમાં હાલ નહીંવત જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જાણે બીજી હાલ બીજી લહેર સમાપ્ત થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે, રાજ્યમાં કેટલાક શહેરો અને ગામડાઓ કોરોના મુક્ત થયા છે. કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે લોકોને વધુમાં વધુ છૂટછાટ આપી છે. રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ સરકારે ઘટાડો કર્યો છે.
રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે ૧૧ થી ૬ વાગ્યા સુધી કરવાનો નિર્ણય છે. તો બીજી તરફ આગામી દિવસોમાં જન્માષ્ટમી નો તહેવાર આવી છે અને લોકો ભગવાન શ્રીકૃષ્ણ દર્શન કરવા રાત્રે ૧૨ વાગ્યે મંદિરોમાં જતા હોય છે. પરંતુ રાત્રી કર્ફ્યુ આ માટે અડચણ રૂપ બને તેમ હતું. એટલા માટે જ રાજ્ય સરકારે ૩૦ તારીખે આવનારા જન્માષ્ટમી ના તહેવારને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ૩૦ ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના રોજ રાત્રે કફર્યૂનો સમય રાત્રે ૧ વાગ્યા સુધીનો રહેશે. જેથી કરીને ભક્ત ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી રાત્રે 12 વાગ્યે પણ કરી શકે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મંદિર પરિસરમાં લોકોને ભગવાન કૃષ્ણના દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે.
મહત્ત્વની વાત એ છે કે જન્માષ્ટમીના અવસરે રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આઠમના મેળા યોજાય છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના મેળા અને મટકી ફોડના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યા છે. મંદિરમાં પણ ભક્તોને કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે કે, મંદિરમાં દર્શન કરતાં સમયે ભક્તો બે ફુટનું અંતર રાખી ભગવાનના દર્શન કરે. લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, રાત્રિ કફર્યૂનો સમય ૧૧ થી ૬ વાગ્યા સુધીનો હોવાથી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવી શકાશે નહીં પરંતુ સરકાર દ્વારા લોકોની ધાર્મિક લાગણીને જોઈને એક દિવસ પૂરતી રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કર્યો છે. આ વર્ષે જન્માષ્ટમીના અવસરે ભક્તો મંદિરમાં બસોની સંખ્યામાં એકત્રીત થઈ શકશે અને શોભાયાત્રા પણ કાઢી શકશે.
આ ઉપરાંત આવનારા દિવસોમાં ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૯ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન રાત્રી કર્ફ્યૂનો સમય ૧૨ વાગ્યાથી અમલમાં રહેશે અને આ વર્ષે ગણેશ મહોત્સવમાં ભગવાનની પૂજા, આરતી અને પ્રસાદની છુટ આપવામાં આવી છે. તો ગણેશ સ્થાપના સમયે અને વિસર્જનમાં ૧૫ લોકોને એકઠા થવાની છૂટ આપવામાં આવી છે.