રાજસ્થાનના ભીલવાડામાં માત્ર ૫૦૦૦ રૂપિયાના પગારથી કોન્ટ્રાકટ પર નોકરી કરતા એક કમ્પ્યુટર ઓપરેટરે ૧૪ વર્ષ સુધી શિક્ષણ વિભાગના કરોડો રૂપિયા ચાઉં કરી લીધા, પણ કોઇને ભનક પણ આવી નહોતી. જો કે આખરે તેનો ભાંડો ફુટ્યો છે અને તેની સામે ગુનો નોંધાયો છે. રાજસ્થાનના ભીલવાડામાં શિક્ષણ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર માત્ર ૫ હજાર રૂપિયાની નોકરી કરતા કમ્પ્યૂટર ઓપરેટર કરોડપતિ નિકળ્યો અને તેનો બિઝનેસ પંજાબ સુધી ફેલાયેલો છે.શિક્ષણ વિભાગમાં કોન્ટ્રાકટ પર કામ કરતા આ કર્મચારીએ રૂપિયા ૨.૧૫ કરોડ રૂપિયાની હેરાફેરી કરીને પોતાનો મોટો ધંધો ઉભો કરી દીધો હતો. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોટડી પંચાયત સમિતિના ખેડા રાજકીય વિદ્યાલયમાં ગોપાલ સુવાલકા નામનો માણસ કોન્ટ્રાક્ટ પર કમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતો હતો.
ગોપાલ સુવાલકા વર્ષ ૨૦૦૭ થી ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધી છેતરપિંડી કરીને શિક્ષણ વિભાગના પૈસા ગાયબ કરતો હતો, પણ ૧૪ વર્ષ સુધી કોઇને પણ તેના આ કૌભાંડની ભનક નહોતી આવી. ગોપાલ શિક્ષણ વિભાગના અધિકારીઓની નકલી આઇડી અને પાસવર્ડથી વર્ષો સુધી શિક્ષણ વિભાગના પૈસા ગાયબ કરતો હતો અને પોતાની પત્ની દિલખુશ સુવાલકાના ખાતામાં જમા કરી દેતો હતો.
આરોપી ગોપાલે પત્ની દિલખુશને બોગસ દસ્તાવેજો ઉભા કરીને ટીચર બનાવી દીધી હતી અને તેના ખાતામાં રૂપિયા નાંખ્યા કરતો હતો.
નાણાંની ઉચાપત કરીને ગોપાલે બે મકાન અને એક જેસીબી મશીન ખરીદી લીધું હતું. આરોપી ગોપાલે નાણાંની ઉચાપત કરીને ભેગા કરેલા પૈસાથી વાહનોનો બિઝનેસ પંજાબ સુધી ફેલાવી દીધો હતો. ૫ હજાર રૂપિયાની નોકરી કરનાર ગોપાલે પી.એ. તરીકે પોતાના ભાણેજને રાખી દીધો હતો.
જયારે ગોપાલના કૌભાંડનો ભેદ ખુલવા માંડયો ત્યારે તેણે ચાલાકી વાપરીને પોતાની બધી સંપત્તિ અન્ય વ્યકિતના નામે ટ્રાન્સફર કરી દીધી હતી, જેથી તપાસમાં તેની સંપત્તિને આંચ ન આવે.
આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી યોગેશ પારીકે કહ્યુ હતું કે સૌથી પહેલાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ ના દિવસે સ્કુલના હેડમાસ્ટર ચન્દ્રસિંહ રાજપુતે કમ્પ્યૂટર ઓપરેટર વિરુધ્ધ ૧૨ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની પોલીસને ફરિયાદ કરી હતી. પારીકે કહ્યું કે આ કેસની તપાસ શરૂ થઇ તેમ તેમ આ કર્મચારીની પોલ ખુલતી ગઇ અને તેના કૌભાંડની રકમ ૨ કરોડ ૧૫ લાખ રૂપિયા સુધી પહોંચી ગઇ.
આરોપી ગોપાલે ઓનલાઇન વેતન બિલથી ૫૫ લાખ રૂપિયા અને ઓફલાઇનથી ૧ કરોડ ૬૦ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આરોપી દર મહિને ૨ લાખ ૩૨ હજાર અને ૩૨૦ રૂપિયાની ઉચાપત કરતો હતો. આરોપી ગોપાલની ધરપકડ થઇ છે કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી.