રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા, ભાજપે જન આશીર્વાદ યાત્ર અને કોંગ્રેસ દ્વારા કોવિડ-19 યાત્રા થકી લોકોની મુલાકાત શરૂ કરી છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઇને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિસાન સાધ્યું હતું. હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એ મતનું વિભાજીત કરવા માટે આવી છે જે ભાજપથી નારાજ છે. હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી અને ભાજપ પર બંનેની સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીને લઇને હાર્દિક પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં કોઈ તેની મદદ કરી રહ્યું છે. આ મદદ કદાચ તેમને દિલ્હીથી મળી રહી છે. તમે જ જુઓ ગુજરાતમાં પ્રચાર કરવાની કેટલી છૂટ મળી છે ત્યાં સુધી કે એ લોકો કેટલો ખર્ચ કરી રહ્યા છે. તેમના બેનર પબ્લિક પ્લેસ પર લાગેલા રહે છે. પણ જો જો કોઈ બીજું બેનર લગાવે તો તેનું બેનર હટાવી લેવામાં આવે છે.
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે, છેલ્લી ત્રણ ચૂંટણીઓથી ભારતીય જનતા પાર્ટી નવી પાર્ટીઓને મેદાને ઉતરવામાં મદદ કરી રહી છે. ભાજપના જ નજીકના લોકો અલગ સંગઠન બનીને ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે. જેનાથી ભાજપથી વિમૂખ થયેલા વોટનું વિભાજન થઇ શકે.
મીડિયામાં કોંગ્રેસના આંતરિક વિખવાદ અને જૂથવાદના સમાચારને ખોટા ગણાવતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને પાર્ટીમાં કોઈ પદની ઈચ્છા નથી અને હું કોંગ્રેસ છોડીને ક્યાય જવાનો નથી.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવી છે. મહત્ત્વની વાત કહી શકાય છે કોંગ્રેસને સુરતમાંથી એક પણ બેઠક મળી નહોતી. સુરત મહાનગરપાલિકામાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા. જે જગ્યા પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઈને આવતા હતા તે મોટા ભાગની બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં જન સંવેદના યાત્રા થકી લોકોની મુલાકાત કરી રહી છે. તો બીજી તરફ અલગ-અલગ પક્ષના રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ રહ્યા છે.