વ્યક્તિને પોતાના સગા ભાઈ કરતા પણ વધારે તેના મિત્ર પર ભરોસો હોય છે પરંતુ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે કે, જેનાથી મિત્રતાને કલંક લાગે છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં એક યુવકે તેના જ મિત્રની હત્યા કરી નાખી હતી. યુવકે એટલી ક્રૂરતાથી મિત્રની હત્યા કરી હતી કે, તેનુ ધડ અને માથું બંને અલગ કરી નાખ્યા હતા. આ ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારની છે. 24 સપ્ટેમ્બરના રોજ પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી. ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હત્યારા મિત્રની ધરપકડ કરી છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ન્યુ ફૈસલ નગરમાં આવેલ સોઢણ તલાવડી ખાતેથી ખંડેર હાલતની ઓરડીમાંથી એક લાશ મળી આવી હતી. આ લાશ પ્લાસ્ટિકના કોથળામાં હતી અને તેનું માથું અલગથી મળી આવ્યું હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતકનું નામ શાહરૂખ છે. પોલીસે વધુ તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, શાહરૂખ 15 સપ્ટેમ્બરથી ગૂમ થયો હતો.
મઝહરે પોલીસને જણાવ્યું હતું કે શાહરૂખે તેની બહેન સાથે ચેનચાળા કર્યા હતા. જેથી તેને ઘર પાસે બેસવાની ના પાડી હતી અને આ મામલે બંને વચ્ચે મારામારી થઈ હતી અને અગાઉ પણ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાબતે એકબીજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી.
જ્યારે મઝહરે શાહરૂખને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઉઠ્યો નહીં અને અચાનક જ તેને બહેન સાથે થયેલી છેડતી અને ઝઘડાની જૂની અદાવત યાદ આવી. મઝહરે આ વાતનો રોષ રાખીને છરા વડે શાહરૂખનું ગળુ કાપી નાંખ્યું હતુ. તે સમયે શાહરૂખ જાગી ગયો હતો. ત્યારે તેને શરીરના અન્ય ભાગો પર પણ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. શાહરૂખની હત્યા કર્યા બાદ મઝહરે તેનુ માથું ધડથી અલગ કરી શાહરુખની લાશને એક કોથળામાં ભરી દીધી હતી. ત્યારબાદ તે સોઢણ તલાવડી ખાતેથી ખંડેર હાલતની પાણી ભરેલી ઓરડીમાં પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો માથા વગરનો મૃતદેહ ફેંકી આવ્યો હતો. પછી તેને શાહરૂખનું માથું પણ આ ઓરડીમાં ફેંકી દીધું હતુ. હાલ તો પોલીસે મઝહરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
pic source by: dainikbhaskar.com