વડોદરામાં નવા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની આશીર્વાદ યાત્રા વડોદરા શહેરના વિસ્તાર કારોલીબાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી જતી રહી હતી. એ સમયે એક સ્થાનિક મહિલા ત્યાં દોડી આવી અને નિયમપાલન અંગે આક્રોશ વ્યક્ત કર્યો. મહિલાએ કહ્યું હતું કે, આ નેતાઓના મોઢા પર માસ્ક નથી તો દંડ કેમ લેતા નથી. આ સાથે પોતે ભરેલા દંડના નાણા પાછા અપાવો એવી માંગ કરી હતી.
વડોદરાના VIP રોડ જીતેન્દ્ર પાર્કમાં રહેતી આ મહિલાએ કહ્યું કે, જ્યારે રિક્ષામાં બેસીને પસાર થતા હતા ત્યારે માસ્ક થોડું નીચું થઈ ગયું હતું. આમ છતાં પોલીસે રૂ.૧૦૦૦નો દંડ કર્યો હતો. આ યાત્રામાં બધાએ માસ્ક પહેર્યું ન હતું. હોસ્પિટલમાં રહેલા ૫૦ બાળકો DJનો ઘોંઘાટથી ફફડી રહ્યા છે તેમ છતાં પણ DJ બંધ કરવામાં આવ્યું નથી.
વૉર્ડના કોર્પોરેટર સ્નેહલ પરમાર ચાર કલાકથી કાર્યકર્તાઓની રાહ જોઈને બેઠા હતા. એવી રજૂઆત કરતા બીજા દિવસે મુલાકાત લેશે એવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, જિલ્લા પ્રભારી નિમાયા બાદ ઘણા નેતાઓએ જે તે જિલ્લાઓની મુલાકાત લેવાની શરૂ કરી દીધી છે. રેલીનું મસમોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને લોકોમાં એક પ્રકારનો આંતરિક રોષ જોવા મળ્યો છે. જ્યાં ગરબા રમવા માટે વેક્સિનના બે ડોઝ અને ૪૦૦ લોકોની મર્યાદા નક્કી કરવમાં આવી છે. પણ રાજકીય કાર્યક્રમ માટે કોઈ નિયમ લાગું ન પડતા હોય એવું ચિત્ર અવારનવાર જોવા મળ્યું છે. બીજી તરફ પોલીસ તંત્ર તરફથી એમની સામે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જેની સામે સ્થાનિકોમાં ચર્ચા એવી છે કે, આખરે નિયમ તો સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે. નિયમ તૈયાર કરનારા નેતાઓ જ નિયમનું કોઈ રીતે પાલન કરતા નથી. કોઈના મોઢે માસ્ક જોવા મળતું નથી.