ક્રુડ ઓઈલથી લઈને અન્ય વેપારી ક્ષેત્રમાં પોતાની આગવી સુઝબુઝથી બિઝનેસ કરનારા રીલાયન્સ ગ્રૂપે ઘણા મોટા રોકાણ કર્યા છે. ક્રુડમાંથી ટેલિકોમ્યુનિકેશન, રિટેઈલ માર્કેટ, ગોલ્ડ અને ફુડ ચેઈન સુધી એમનું બિઝનેસ નેટવર્ક ફેલાયેલું છે. પણ હવે ચેરમેન મુકેશ અંબાણી વધુ એક ક્ષેત્ર પર રીલાયન્સનું નિશાન અંકિત કરવા માટે જઈ રહ્યા છે. આ માટે કેટલીક ભાગીદારી પણ ખરીદી લેવાઈ હોવાના અહેવાલ મળ્યા છે. મુકેશ અંબાણીની નજર હવે ફેશન ઉદ્યોગ પર છે. આ ક્ષેત્રમાં પોતાના પગલાં પાડવાના હેતુંથી તેમણે બોલિવૂડના ફેશન ડીઝાઈનર સાથે હાથ મિલાવ્યા છે.
બોલિવૂડના ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રાની હાઈ પ્રોફાઈલ ફેશનબ્રાંડ MM સ્ટાઈલ્સમાં 40 ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. બંને કંપનીઓ વચ્ચે થયેલી આ ભાગીદારીમાં શુક્રવારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી તરફથી એક નિવેદન જાહેર કરાયું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રીલાયન્સ બ્રાંડ લિ. એ મનીષ મલ્હોત્રા તરફથી ચલાવવામાં આવતી બ્રાંડ MM સ્ટાઈલ્સ લી.માં 40%ની ભાગીદારી ખરીદી લીધી છે.
MM સ્ટાઈલ્સમાં રોકાણ કરીને રીલાયન્સ રીટેઈલ વેન્ચરની ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે, મનીષ મલ્હોત્રા સાથે અમારી રણનીતિ એની હસ્તકલા પ્રત્યે એક મોટા સન્માનની છે.આ સાથે ભારતીય કલા તથા સંસ્કૃતિ પ્રત્યે અમારી ઊંડી વિચારસરણી પર આધારિત છે. એક ઉદ્યોગપતિ હોવાને નાતે મનીષ પોતાની બ્રાંડને લઈને ખૂબ જ એક્ટિવ અને એડવાન્સ છે. ભાગીદારી થઈ હોવા છતાં પણ માલિકીનો હક મનીષ પાસે રહેશે. વર્ષ ૨૦૦૫ માં તેણે આ સ્ટાઈલ્સ પ્રા.લી.ની શરૂઆત કરી હતી.જેમાં આશરે ૭૦૦ ડીઝાઈનર અને પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. એની બ્રાંડના કુલ ચાર સ્ટોર છે. જે નવી દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈમાં છે.