કોઈ પિતાની છત્રછાયા ગુમાવે તો કોઈને માતાની હૂંફ ખોવી પડતી હોય છે. ઘણીવાર આકસ્મિક રીતે એવું બનતું હોય છે કે ફૂલ જેવું કુમળું બાળક પણ ગુમાવું પડતું હોય છે. એ વાતની સૌને ખબર છે કે જે ગયું છે તે પાછું આવવાનું નથી. પણ તેમની યાદમાં આપણે કંઈક પ્રવુતિ કરતા હોઈએ છીએ. તેવું જ સરાહનીય કાર્ય ગુજરાતના આનંદ જિલ્લાના પેટલાદના એક પુત્રએ પિતાની યાદમાં બનાવ્યું છે ખુબ મજાનું સુંદર ઉપવન.
તેમને તેમની ઘરની પાછળ ખાલી પડેલ જગ્યામાં તેમના પિતાની યાદમાં તેમના નામનું રજની ઉપવન બનાવી દીધું. સેજલભાઈ ના પિતા રજનીકાંત કંસારા સરકારી અધિકારી હતા અને તેમને તેમની ઘરની પાછળ ખાલી પડી રહેલી જગ્યામાં સુંદર બગીચો બનાવવાની ઈચ્છા હતી. પણ તેઓ તો આ દુનિયામાં નથી રહ્યા પણ તેમને સપનું તેમના દીકરા એ પૂરું કર્યું અને તેમના પિતાના જ નામનો સુંદર રજની ઉપવન બનાવી દીધો.
લોકડાઉન સમય દરમિયાન તેમને આ સુંદર બગીચો બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને તેમાં ઘણા વૃક્ષ અને છોડવાઓ લગાવવામાં આવ્યા છે. તેની સાથે ઘણા પક્ષીઓ પણ આ મજાના ગાર્ડનનો આનંદ લઇ રહ્યા છે. સેજલ ભાઈ એક જનરલ સ્ટોરે ચલાવે છે તેમને બગીચાનો કોઈ અનુભવ નથી, પરંતુ પિતાની યાદમાં બગીચો બનાવા માટે તેમને ઇન્ટરનેટ અને નર્સરીની યોગ્ય સલાહ લઈને તે જગ્યાને ડિજાઇન કરીને છોડ લાવવાનું શરુ કર્યું.
આ બગીચામાં તેમને એક સરસ પરિવારજનો બેસી શકે તેવી કુટિર પણ બનાવી છે. તેમને બગીચાની અંદર એવા વૃક્ષ વાવ્યા કે બધાને ઉપયોગી નીવડે અને બીજું કે જે તેમાં ફૂલ વાવવામાં આવ્યા છે તે તેમને ઈન્ટરનેટના માધ્યમથી સર્ચ કર્યું કે કેવા ફૂલો પર પતંગિયાને બેસવું વધુ પસંદ હોય છે તે આધારે તેમને ફૂલના છોડ વાવ્યા છે. તેઓ નિયમિત રૂપે તેની સારસંભાર રાખે છે અને સમયસર ખાતર પાણી પણ આપતા રહે છે.
વિશ્વભરમાં ઘણા લોકો પોતાના સ્વજનોના યાદમાં આવા અનેક પ્રકારના સરાહનીય કાર્ય કરતા હોય છે. જેમના મોટા ભાગના જીવકલ્યાણ અને સમાજહિતના કામ હોય છે. આવી પ્રવુતિ કરનારાઓને ચારે બાજુથી વાહવાહી મળતી હોય છે.