સામાન્ય રીતે પાલતું પ્રાણીઓ માલિકને વફાદાર રહેતા હોય છે, પરંતુ મધ્ય પ્રદેશમાં એક હ્દયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પોતાની પાળેલી ભેંસને માલિક પાણી પિવડાવતો હતો તો ગુસ્સે ભરાયેલી ભેંસે માલિકને શિંગડામાં ભેરવીને વારંવાર પટકી દેતા તેનું મોત થયું હતુ અને માલિકનો મૃતદેહ શિંગડામાં જ ભેરવાયેલો રહ્યો હતો. ઘટનાની જાણ થતા ગામલોકોએ ભેંસને 5 ગોળી મારીને તેનું પણ ઢીમ ઢાળી દીધું હતુ. ૫૦૦ રૂપિયા વધારે કમાવવાના ચકકરમાં ભેંસ માલિકે જીવ ખોવાનો વારો આવ્યો હતો.
આ ચોંકાવનારી ઘટના મધ્ય પ્રદેશના મંદસોરની છે. કમલ સિંહ નામના વ્યકિતએ થોડા દિવસો પહેલાં જ એક ભેંસ પાળી હતી. આ ભેંસ છેલ્લાં કેટલાંક દિવસથી ઉગ્ર બની હતી અને ઘરના કે બહારના લોકો પર હુમલો કરી દેતી હતી. કમલ સિંહ સવારે ભેંસને પાણી પિવડાવવા ગયો તો ઉશ્કેરાયેલી ભેંસે માલિક કમલ સિંહ પર જ હુમલો કરી દીધો હતો. કમલ સિંહ ભેંસના શિંગડામાં ફસાઇ ગયો હતો અને ભેંસ તેને જમીન પર પટકી રહી હતી. ભેંસે એટલો ઝડપથી હુમલો કર્યો હતો કે કમલ સિંહ કઇં સમજે તે પહેલાં તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું અને તેનો મૃતદેહ શિંગડામાં જ લટકી રહ્યો હતો.
ભેંસે કમલ સિંહ પર હુમલો કરવાની વાત ખબર પડતા ગામના લોકો દોડી આવ્યા હતા અને ભેંસને ૫ ગોળી ધરબી દેતા તેનું મોત થયું હતું. જાણવા મળેલી માહિતી મુજબ માત્ર ૫૦૦ રૂપિયાના લોભમાં કમલ સિંહે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. વાત એમ હતી કે ભેંસને ૨૫,૦૦૦ રૂપિયામાં વેચવા માટે સોદો નક્કી થઇ ગયો હતો, પરંતુ કમલ સિંહ ૨૫,૫૦૦ રૂપિયાની માંગણી કરતો હતો, આ ૫૦૦ રૂપિયાના ચકકરમાં ભેંસનો સોદો અટકી ગયો અને કમલ સિંહનો જીવ ગયો.
સુવાસરા પોલીસ ચોકીના પ્રભારી રાકેશ ચૌધરીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે ગામના લોકોએ કહ્યું હતું કે એક ભેંસ પાગલ બની ગઇ હતી અને તેણે કમલ સિંહનો જીવ લીધો છે, આ ભેંસ ગામના લોકો પર પણ હુમલો કરી રહી હતી એટલે મજબુરીમાં તેને મોતને ઘાટ ઉતારવી પડી છે. ભેંસને જે ગોળી મારવામાં આવી તેમાંની એક બંદુક મૃતકના ભાઇ દરબાર સિંહની હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.