દેશભરમાં દિવાળીના તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક ઘરમાં નવા નવા કપડાંથી લઈને મીઠાઈ સુધી તૈયારીઓ થઈ ચૂકી છે. રંગોળીથી દિવસની શરૂઆત થાય છે જ્યારે સાંજે રોશની કરવામાં આવે છે. લાઈટિંગ સીરિઝ આવી હોવા છતાં દીવાનું મહત્ત્વ ઓછું થયું નથી. એવામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આ વખતે દિવાળીના પર્વ પર એક ખાસ પ્રકારની મીઠાઈ ચર્ચામાં છે. જેને ગોલ્ડન મીઠાઈ નામ આપવામાં આવ્યું છે.
મીઠાઈની ચર્ચા સમગ્ર લખનઉ સિટીમાં થઈ રહી છે. કારણ કે એનો સ્વાદ મનમોહક છે. જ્યારે મીઠાઈની કિંમત અંગે સૌ કોઈ નગરવાસીઓ વાતો કરી રહ્યા છે. પણ હવે આ મીઠાઈ ચાખવી પણ દરેકના ખિસ્સાને પોસાય એમ નથી. એક પીસ ખાવા માટે રૂ.500 ચૂકવવા પડશે. લખનઉ સિટીની એક દુકાનમાં રૂ.50,000ની કિલો લેખે ગોલ્ડન મીઠાઈ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
દુકાનકારે આ દિવાળી નિમિતે એક વેબસાઈટ પણ શરૂ કરી દીધઈી છે. જેની મદદથી કોઈ પણ વ્યક્તિ આ મીઠાઈનું ઓનલાઈન બુકિંગ કરાવીને ઓર્ડર મેળવી શકે એમ છે. દિલ્હી જેવા મહાનગરમાં અવનવી મીઠાઈનું વેચાણ થાય છે. તો ગુજરાતના મહાનગરમાં લો-સુગર મીઠાઈ મળી રહે છે. આ વખતે અમદાવાદના એક મીઠાઈવાળાએ ચોક્લેટ જાંબુની મીઠાઈ વેચાણ હેતું મૂકી છે. જેનો અમદાવાદીઓમાં ક્રેઝ જોવા મળ્યો છે.