રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાના કારણે સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. છૂટછાટ મળતા જ લોકો ફરવાલાયક સ્થળો પર ઉમટી રહ્યા છે. તો બીજી તરફ દિવાળી પછી કોરોનાના કેસ વધવાની ભીતિ સેવાઈ રહી છે. આ કહેવાનું કારણ એ છે કે મંગળવારના રોજ રાજ્યમાં 20 કેસ સામે આવ્યા હતા અને બુધવારના રોજ ૪૦ કેસ સામે આવ્યા છે. ત્યારે જૂનાગઢના ગીરનારની લીલી પરિક્રમાને લઇને પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સતત બીજા વર્ષે પણ લોકો માટે લીલી પરિક્રમા લોકો માટે બંધ રાખવામાં આવી છે. પરંપરા જળવાઈ રહે એટલા માટે ૪૦૦ સાધુ સંતો પ્રતિકાત્મક રીતે ગીરનારની લીલી પરિક્રમા કરી શકશે તેવો નિર્ણય જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે. તો સાધુ-સંતો સિવાય કોઈ પણ સામાજિક સંસ્થાના કે રાજકીય પક્ષના લોકો આ પરિક્રમામાં ભાગ લઇ શકશે નહીં.
ગુજરાતમાં વર્ષોથી દિવાળી પછી ગરવા ગીરનારના સાનિધ્યમાં લીલી પરિક્રમા યોજવામાં આવે છે. આ પરિક્રમામાં ભાગ લેવા માટે અલગ-અલગ રાજ્યોમાંથી લાખો લોકો જૂનાગઢમાં ઉમટી પડે છે. ગત વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે લીલી પરિક્રમામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે જ કરવામાં આવી હતી. તેથી ગીરનારની પરિક્રમામાં પણ ૪૦૦ સાધુ-સંતોને છૂટ આપવામાવી છે. આ નિર્ણય લેતા પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા સંબધિત વિભાગોના અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
ઉતારા મંડળ ભવનાથના ભાવેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, જે સંતો છે તે ૩૬ કિલોમીટર ચાલીને પરિક્રમા કરી શકે ખરા? ચોમાસામાં જે જગ્યા પર રસ્તાનું ધોવાણ થઇ ગયું છે તે રસ્તા પર મોટા ચઢાણ છે. ત્યાં તંદુરસ્ત વ્યક્તિને પણ ચઢતા મુશ્કેલી થાય છે. તો મોટા ભાગના સાધુ સંતો ઉંમર લાયક છે તે ૩૬ કિલોમીટરની પરિક્રમા કઇ રીતે કરી શકશે.