જામનગરમાં એક નાની એવી ભૂલના કારણે મોટી મુશ્કેલી સર્જાય હતી. જે વ્યક્તિ જીવતો હતો તેનો મૃતદેહ સમજીને પરિવારના સભ્યોએ બીજા વ્યક્તિના મૃતદેહની અંતિમવિધિ કરી નાંખી અને જ્યારે આ વ્યક્તિ ઘરે પરત ફર્યા ત્યારે પરિવારના સૌ કોઈ લોકો ડરી ગયા હતા. પણ પછી જાણવા મળ્યું કે જેમની અંતિમવિધિ પરિવારના સભ્યોએ કરી હતી તે મૃતદેહ અન્ય પરિવારના વડીલનો હતો.
માહિતી અનુસાર જામનગર શહેરમાં કાલાવડ રોડ પર દયાળજી રાઠોડ નામના વ્યક્તિ એકાએક ગુમ થઇ ગયા હતા. તો તેમની સાથે-સાથે શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા કેશુ મકવાણા નામના વૃદ્ધ ગુમ થયા હતા. બન્નેના પરિવારના સભ્યોએ વૃદ્ધને શોધવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસની તપાસ દરમિયાન શાકભાજી વિસ્તારમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કેશુ મકવાણાનો સમજીને પોલીસે કેશુ મકવાણાના પરિવારના સભ્યોને મૃતદેહ સોંપ્યો અને ત્યારબાદ પરિવારના સભ્યોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા. આ ઘટનાના ગણતરીના કલાક પછી કેશુ મકવાણા ઘરે આવ્યા એટલે ચાર વર્ષનો બાળક ખૂશ થયો અને બોલ્યો કે નાના આવ્યા.
તો મૃતક દયાળજી રાઠોડના દીકરા રાજેશે જણાવ્યું હતું કે, કાલે સાંજે અમને 5:30 વાગ્યે અમને પોલીસ ચોકી પરથી ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશન આવી જાવ અને એક મૃતદેહનો ફોટો જોઈ જાવ. પછી અમે જયારે ફોટો જોવા માટે ગયા હતા ત્યારે જાણવા મળ્યું કે આ મારા પિતાનો મૃતદેહ છે. એટલે સાહેબે એમ કહ્યું કે આ મૃતદેહની અંતિમવિધિ થઇ ગઈ છે અને બીજા લોકોથી ભૂલમાં અંતિમવિધિ કરવામાં આવી છે. એ પરિવારના સભ્યના બાપા જીવતા છે.