તમે તમારા જીવનમાં એકથી વધુ હોટેલ જોઈ હશે પરંતુ શું તમે દુનિયાની સૌથી જૂની હોટેલ વિશે જાણો છો. જાપાનની ‘નિશિયામા ઓન્સેન કિયુંકન’ નામની હોટેલ વિશ્વની સૌથી જૂની હોટલ તરીકે જાણીતી છે. કહેવાય છે કે આ હોટેલ હજુ પણ તેનો ઈતિહાસ જાળવી રહી છે. એટલું જ નહીં, આ હોટલનું નામ ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં પણ નોંધાયેલું છે.
માહિતી અનુસાર, નિશિયામા ઓનસેન કિયુંકનનું નિર્માણ વર્ષ ૭૦૫માં ફુજીવારા મહિતો નામના વ્યક્તિએ કર્યું હતું. સદીઓ પહેલા બનેલી આ હોટેલ આજે પણ ધૂમ-ધામથી ચાલી રહી છે. આજે લગભગ ૧૩૦૦ વર્ષ જૂની આ હોટેલ તેમના પરિવારની ૫૨મી પેઢી ચલાવી રહી છે. આ હોટેલ તેના વૈભવી હોટ સ્પ્રિંગ્સ માટે પણ જાણીતી છે. આ હોટેલને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં એકઠા થાય છે. આ સિવાય સેલિબ્રિટીઝ પણ હોટલમાં આવતા રહે છે.
હોટલમાં કુલ ૩૭ રૂમ છે, જેનું એક રાતનું ભાડું લગભગ ૩૩ હજાર રૂપિયા છે. આ હોટેલ સમય સમય પર અપડેટ કરવામાં આવે છે. તે છેલ્લે વર્ષ ૧૯૯૭ માં નવીકરણ કરવામાં આવ્યું હતું. કુદરતના સુંદર નજારાઓ વચ્ચે સ્થિત આ હોટેલમાં એક તરફ ગાઢ જંગલ છે અને બીજી તરફ સુંદર નદી વહે છે. આ રમણીય સ્થળને જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.