જે રીતે માના પટેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય અને ગુજરાતી મહિલા ખેલાડી છે. એ રીતે ટોક્યો ઓલિમ્પિકમાં જજ તરીકે પણ એક ગુજરાતી યુવાને સાત સમંદર પાર ડંકો વગાડ્યો છે. જેનું નામ છે દીપક કાબરા. સુરતના રહેવાસી દીપક ટોક્યો ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિક કેટેગરીમાં જજ તરીકે સિલેક્ટ થાય છે. જિમ્નાસ્ટિક કેટેગરીમાં જજ તરીકે પસંદ પામનાર તેઓ પ્રથમ ભારતીય છે.
આમ તે દીપકને એલિમ્પિકના ખેલાડી બનવું હતું. પણ ખેલાડી તરીકે પસંદ ન થવા પાછળનો અફસોસ છોડી તેઓ જજ તરીકે પસંદ થયા છે. આવનારા દિવસોમાં જાપાનમાં આયોજીત ટુર્નામેન્ટમાં તેઓ જજ તરીકે સેવા આપશે. જાપાનની રાજધાનીમાં તા.23 જુલાઈથી ઓલિમ્પિક ખેલમહાકુંભ શરૂ થઈ રહ્યો છે. દીપક કહે છે કે, ઓલિમ્પિકમાં દરેક ખેલાડીનું સપનું મેડલ મેળવવાનું હોય છે. એક ખેલાડી તરીકે જ્યારે જિમ્નાસ્ટિકમાં રમતો ત્યારે ઓલિમ્પિક સુધી પહોંચી શક્યો નથી.
આ મને એક અફસોસ હતો. પછી સ્પોર્ટ્સ ક્ષેત્રે જોડાઈ રહેવા માટે પછી એક જજ તરીકે કેરિયર બનાવવા નિર્ણય કર્યો. વર્ષ 2009માં આ માટેની કામગીરી શરૂ થઈ. વર્ષ 2017માં આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી કસોટી આપી. જે પરીક્ષામાં પાસ થયો. પછી ઈન્ટરનેશનલ જજ બન્યો. ઓલિમ્પિકમાં સિલેક્ટ થતા પહેલા જે તે જજના ચાર વર્ષ સુધીના જજ તરીકેના પર્ફોમન્સને ધ્યાને લેવામાં આવે છે. દુનિયાભરમાંથી જિમ્નાસ્ટિક કેટેગરીમાં માત્ર 50 જ જજનું સિલેક્શન થયું છે. જ્યારે ભારતમાંથી પ્રથમ વખત એમની પસંદગી થઈ છે.
દીપક કાબરા ઓલિમ્પિકમાં જજ તરીકે પસંદ પામતા એમના પરિવારમાં ખુશીનો માહોલ છે. એમના પત્ની રીલાયન્સ ફાઉન્ડેશનમાં સીએ તરીકે ડ્યૂટી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દીપક 20થી વધારે ઈન્ટરનેશનલ જિમ્નાસ્ટિક સ્પર્ધામાં જજ તરીકે કામ કરી ચૂક્યા છે. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ, યુથ ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશીપ, યુનિવર્સિટી ગેમ્સ જેની ટુર્નામેન્ટમાં જજ તરીકે કામ કરી ચૂક્યા છે.
એક ખેલાડી તરીકે તેઓ નેશનલ લેવલ સુધી પહોંચ્યા હતા. પ વર્ષ સુધી સતત તેઓ સ્ટેટ ચેમ્પિયન તરીકે રહ્યા હતા. પછી એક ખેલાડી તરીકે નિવૃતિ લીધી. નવા ખેલાડીઓને સંદેશો આપતા તેઓ કહે છે કે, આપણા દેશમાં સ્પોર્ટ્સની વેલ્યુ વધી રહી છે. ખેલાડી તરીકે કોઈ ગેમ્સમાં નિષ્ફળ જાવ તો પણ ઘણા રસ્તાઓ છે. જેમ કે, કોચ, એમ્પાયર, કોમેન્ટેટર, મોટીવેટર, રેફરી, જજ તરીકે પણ કેરિયર બનાવ શકાય છે. દરેક ખેલાડીઓએ પોતાની મહેનત ચાલું રાખવી જોઈએ. નિષ્ફળતા સામે હતાશ ન થવું જોઈએ.