કડી નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું.
કડી નગરપાલિકાનું રું.52.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું, પેવરબ્લોક માટે રું.3 કરોડની જોગવાઇ
વરસાદી પાણીના નિકાલ માટે રું.5 કરોડ અને સીસીટીવી કેમેરા માટે રું. 25 લાખની જોગવાઇ કરાઇ
કડી નગરપાલિકાની મંગળવારે મળેલી ખાસ સાધારણ સભામાં પાલિકાનું આગામી 2022-23ના વર્ષનું રૂ.52.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જેમાં શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આગવી ઓળખ સહિતના કામો માટે રૂ.51.95 કરોડની જોગવાઈ કરાઈ છે. બજેટમાં પાલિકાની અંદાજીત આવક રૂ.52.43 કરોડની સામે રૂ.51.95 કરોડ ખર્ચેના અંદાજ સાથે 47.33 લાખની પુરાંત દર્શાવાઇ છે. બેઠકમાં પાલિકા ઉપપ્રમુખ સહિત હાજર રહ્યા હતા.
પાલિકાના સભા હોલમાં બજેટ અંગે ખાસ સાધારણ સભા પ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પાલિકાના 36 સભ્યો પૈકી ભાજપના 23 અને કોંગ્રેસના એક મહિલા સભ્ય સાથે કુલ 24 સભ્યો, ચીફ ઓફિસર સહિત શાખા અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં રૂ.52.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બજેટમાં નવિન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.6 કરોડ, વરસાદી પાણીના નિકાલ માટે રૂ.5 કરોડ, નવિન રોડ રસ્તા, પેવરબ્લોક માટે રૂ.3 કરોડ, નવિન દુકાનો તથા શોપિંગ સેન્ટર માટે રૂ.3 કરોડ, સીસીટીવી કેમેરા લગાવવા રૂ.25 લાખ, ઓફિસ રિનોવેશન માટે રૂ.10 લાખ તેમજ આગવી ઓળખ ઉભી કરવા માટે રૂ.4 કરોડના કામો કરાશે.
બેઠકમાં પાલિકા ઉપપ્રમુખ દક્ષાબેન પ્રજાપતિ, કારોબારી ચેરમેન જગદીશ પટેલ, બાંધકામ ચેરમેન હિમાંશુ ખમાર, પૂર્વ કારોબારી ચેરમેન વિષ્ણુ પટેલ, ટેક્ષ વસૂલાત સમિતિ ચેરમેન અરવિંદ પંડ્યા સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.