મહિલા હેલ્પલાઈન અભયમ ૧૮૧ ને એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે કાલુપુર રેલવે સ્ટેશનની બહાર એક મહિલા આશરે દસ દિવસના નવજાત બાળકની સાથે રોડ પર બિનવારસી હાલતમાં બેઠી છે . જેથી તાત્કાલિક મહિલા હેલ્પલાઇનની સિવિલ લોકેશનની ટીમ કાલુપુર રેલવે સ્ટેશન પાસે પહોંચી હતી મહિલાની પૂછપરછ કરતા પોતે મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ૨૦ દિવસ પહેલા તેમના પતિ ટેમ્પો ડ્રાઇવર હતા અને અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતુ.
પરિવારમાં તેઓને કોઈ રાખવાવાળું ન હોવાથી તેઓ ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયા હતા . પોતે ગર્ભવતી હતી અને ૧૦ દિવસ પહેલાં જ તેમણે સરકારી હોસ્પિટલમાં બાળકને જ્ન્મ આપ્યો છે.
બાળકના જન્મ બાદ પોતે હોસ્પિટલ માંથી નીકળી જઈ અને બહાર રોડ ઉપર રહેતી હતી . કોઈ રહેવાની જગ્યા ન હોવાથી મહિલા રોડ પર જ રહેવા માંગતા હતા . પરંતુ મહિલા હેલ્પલાઇનની ટીમે તેઓનું કાઉન્સેલિંગ કરી અને સમજાવ્યા હતા . ગરમીના સમયમાં નવજાત બાળક સાથે બહાર રોડ ઉપર એકલી મહિલા સુરક્ષિત નથી તેમ સમજાવી અને તેમને પોતાની સાથે લઈ ગયા હતા અને આશ્રયગૃહમાં રાખ્યા હતા . હાલમાં મહિલાને પોતે આશ્રય ગૃહમાં બાળક સાથે રાખવામાં આવ્યા છે .