એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરે એવી પણ ચર્ચા ઊઠી હતી
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગેના નિર્ણયમાં વિલંબ કેમ? એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે. આજે નરેશ પટેલ સાંજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજશે. જોકે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આજે પત્રકાર પરિષદ પહેલાં ટ્રસ્ટીઓની બેઠક મળશે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે વધુ એક મુદત પડી શકે છે. આ અંગે ખોડલધામની રાજકીય સમિતિ રિપોર્ટ સોંપ્યા બાદ નરેશ પટેલ નિર્ણય લેશે.
હસમુખ લુણાગરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજની બેઠકમાં મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો નરેશભાઈ આઉટ ઓફ સ્ટેશન હતા. જેકંઇ ચર્ચા-વિચારણા મીડિયાની અંદર ચાલે છે એને લઇને જવાબ આપવા માટે આજે નરેશભાઇ હાજર છે. નરેશભાઈ પત્રકાર પરિષદ કરશે, એ પહેલાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઈએ રાજકારણમાં જવું જોઇએ કે નહીં એ અંગે હું કંઇ ન કહી શકું, એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે, ટ્રસ્ટ ક્યારેય ન કહે.
અગાઉ AAPની કામગીરીનાં વખાણ કરી ચૂક્યા છે
અગાઉ નરેશ પટેલે 20થી 30 માર્ચ સુધીમાં રાજકારણમાં જવું કે નહીં એ અંગેનો નિર્ણય કરશે એવું જાહેર કરી ચૂક્યા છે. બાદમાં એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરે એવું પણ ચર્ચામાં આવ્યું હતું. નરેશ પટેલ અગાઉ આમ આદમી પાર્ટીની કામગીરીનાં વખાણ કરી ચૂક્યા છે. કોંગ્રેસના નેતાઓ સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. પ્રશાંત કિશોર સાથે મળીને કોંગ્રેસને મજબૂત કરવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આજની પત્રકાર પરિષદમાં રાજકારણના પ્રવેશના સંકેત કે પછી વધુ મુદત અંગે માહિતી આપશે એના પર સૌની નજર છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં આવ્યા હતા
ડિસેમ્બર 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સમયે પણ નરેશ પટેલ મેદાનમાં ઊતર્યા હતા. આ વિધાનસભા ચૂંટણી પહેલાં તત્કાલીન પાસ નેતા હાર્દિક પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. મીટિંગ બાદ હાર્દિક પટેલે એવું ટ્વીટ કર્યું હતું કે નરેશભાઇ સાથે મારે 15 મિનિટ ચર્ચા ચાલી. નરેશભાઇએ એવું કહ્યું હતું કે જે કરો એ ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ.
2017માં પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો
વિધાનસભા 2017ની ચૂંટણીમાં પણ નરેશ પટેલે કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉંની જાહેરાતો કરી હતી, તો બીજી તરફ તેના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પર પરથી ટેકો જાહેર કર્યો હોવા છતાં તમામ ઉમેદવારો હારી ગયા હતા. એ વખતે પણ વ્યક્તિગત સંબંધો છે એવું જણાવી રાજકારણ કર્યું જ હતું.