સોમવારે છે પપમોચીની એકાદશી : જાણ્યે અજાણ્યે થયેલ પાપ માથી મુક્તિ મેળવવા માટે કરે છે આ વ્રત… જાણો અહી

જાણવા જેવુ

જીવનમાં સર્જાતી તમામ સમસ્યાનું સમાધાન કરતું એક વ્રત છે એકાદશી વ્રત. વર્ષની કુલ 24 એકાદશીમાંની એક એકાદશીનું નામ ‘પાપમોચિની’ છે. ફાગણ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી 28 માર્ચના રોજ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, પાપમોચિની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના બધા જ પ્રકારના પાપ અને કષ્ટ દૂર થઇ જાય છે. આ વ્રતને કરવાથી ભક્તોને યજ્ઞના ફળ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે હજાર ગાયોના દાનનું ફળ મળે છે. બ્રહ્મ હત્યા, સોનાની ચોરી, મદિરાપાન અને ગમન જેવા મહાપાપ પણ આ વ્રત કરવાથી દૂર થાય છે.

પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
વ્રત રાખનાર વ્યક્તિએ દશમ તિથિએ એક સમયે સાત્વિક ભોજન કરવું જોઇએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઇએ.
એકાદશી એ સવારે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ કરો. સંકલ્પ બાદ ષોડષોપચાર એટલે 16 સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરો.


પૂજા બાદ ભગવાન સામે બેસીને ભગવદ કથાનો પાઠ કરો અથવા કોઇ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવડાવો. પરિવાર સહિત બેસીને ભગવદ કથા સાંભળો.


આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરો. રાતે પણ કંઇ ખાવું નહીં. માત્ર ફળાહાર જ કરો.


બારસ તિથિ એટલે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો, પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો.


ત્યાર બાદ સ્વયં ભોજન કરો. આ પ્રકારે પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રતીના બધા જ પાપનો નાશ કરી દે છે.

પુરાણકથા મુજબ વસંતઋતુ જ્યારે પૂર્ણકળાએ ખીલી હતી ત્યારે મંજુઘોષા નામની એક અપ્સરા વનવિહાર માટે સખીઓ સાથે ચિત્રરથ નામના વનમાં આવી. આ સમયે મહર્ષિ ચ્યવનનો યુવાન પુત્ર મેધાવી શિવઉપાસના કરી રહ્યો હતો. વસંતઋતુમાં રમણીય ચિત્રરથ વનમાં વિહાર કરતાં-કરતાં મંજુઘોષાએ યુવાન શિવતપસ્વી મેધાવીને જોયો. દેવતુલ્ય સ્વરૂપવાન મેધાવીને જોતાં જ મંજૂઘોષા તેના પર મોહિત થઈ ગઈ.

મોહિત થયેલી અને કામપીડિત મંજૂઘોષા મેધાવીની તપસ્યાભંગ કરવા માટે સુંદર શણગાર સજીને નૃત્ય કરી ગીતો ગાવા લાગી. ઘણી મહેનત પછી પણ તે તેમાં કારગત ન નીવડી ત્યારે તેણીએ કામદેવ પાસે મદદ માગી. યુવાન મેધાવી શિવભક્ત હતો એટલે કામદેવ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા, કારણ કે શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો તેથી તેમના મનમાં શિવ પ્રત્યે એક ઘૃણા હતી જ. શિવઘૃણાને લીધે મેધાવીને તપથી વિમુખ કરવા માટે કામદેવે તેના મનમાં પ્રવેશ કરી વિકાર ઉત્પન્ન કર્યો. વિકાર ઉત્પન્ન થવાથી મેધાવી વિચલિત થઈ ગયો અને તેની બંધ આંખો ખૂલી ગઈ. વિકારયુક્ત મેધાવીએ તેની સામે મંજૂઘોષાને જોઈ. જોતાં જ તે પણ તેના પર મોહિત થઈ ગયો. તેના અંગ-અંગમાં કામપીડા થવા લાગી. બે મોહિત અને કામપીડિત આમનેસામને હતાં, પછી જે કંઈ થયું તે બિલકુલ સહજ હતું.

કામતૃપ્તિ પછી જ્યારે મંજૂઘોષાએ સ્વર્ગમાં પરત જવા મેધાવીની રજા માગી ત્યારે મેધાવીને ખબર પડી કે સ્વર્ગની આ અપ્સરાએ કામદેવની મદદથી મને તપોભંગ કર્યો છે. હકીકતની જાણ થવાની સાથે જ યુવાન શિવભક્તિ મેધાવીનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. તેણે મંજૂઘોષાને શાપ આપી દીધો: ‘હે પાપીણિ! તેં ભયંકર પાપ કર્યું છે. માટે તું અપ્સરામાંથી પિશાચયોનિને પામ!’

શાપ મળવાથી મંજૂઘોષાને પણ પોતાની ભૂલ સમજાઈ. તેણીએ પગમાં પડી માફી માંગી અને શાપ પરત લેવા પ્રાર્થના કરી ત્યારે ચ્યવનપુત્ર મેધાવીએ કહ્યું: ‘હે સુંદરી! તેં પાપ કર્યું છે એટલે શાપ મિથ્યા નહીં જ થાય. હું તને એક ઉપાય બતાવું છું. તું તે મુજબ કરીશ તો અવશ્ય શાપમુક્ત થઈશ. ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની એકાદશી ‘પાપમોચિની’ એકાદશી કહેવાય છે. તું આ એકાદશીનું વ્રત કરજે અને વિષ્ણુની ઉપાસના કરજે. આ વ્રત કરવાથી તું શાપમુક્ત થઈને પુન: અપ્સરાપદ પ્રાપ્ત કરીશ.’

પિશાચયોનિ પામેલી મંજૂઘોષાએ ઋષિપુત્રના કહેવાથી પાપમોચિની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેણે જે પાપ કર્યું તે પાપ બળી ગયું. પરિણામે પિશાચયોનિમાંથી મુક્ત થઈને પુન: અપ્સરાપદ પ્રાપ્ત કરી સ્વર્ગમાં સ્થાન પામી. બીજી બાજુ મંજૂઘોષાને ઉપાય બતાવી મેધાવીએ પુન: શિવસાધનામાં લીન થવા પ્રયત્ન કર્યો, પણ તેનું મન શિવસાધનામાં લાગ્યું નહીં. વિચલિત થયેલો મેધાવી તેના પિતા ચ્યવનઋષિ પાસે આવ્યો અને સઘળી વાત કરી. વાત સાંભળી પિતાએ પુત્રને કહ્યું: ‘વત્સ! પાપ તો તારાથી પણ થયું જ છે. હવે તું પણ પાપમોચિની એકાદશીનું વ્રત કરીને પાપમુક્ત થા. પાપમુક્ત થયા પછી જ શિવસાધનામાં તારું મન લીન થશે.’ પિતાની સલાહથી મેધાવીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું અને પાપમુક્ત થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *