એથ્લિટ્સ ના કપડાં વેચનારી ક્લોથ ચેન લોર્ના જેનને ઑસ્ટ્રેલિયા ની એક કોર્ટે ૩.૭ મિલિયન ડોલર નો દંડ ફટકાર્યો છે. આ દંડ ફટકારવાનું પાછળ નું કારણ કંપની દ્વારા કરવામાં આવેલા ખોટા દાવાઓ છે. કંપની એ દાવો કર્યો કે , તેમની કંપની ના કપડાં પહેરવાથી કોરોના ના સંક્રમણ થી બચી શકાય છે. કંપની એ ઑસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા , ચીન અને તાઇવાન માં પણ કોરોના પ્રૂફ કહી ને કપડાં વેચ્યા હતા.
લોર્ના જેન કંપની મહિલાઓ માટે એક્ટિવવેર બનાવે છે. મોટાભાગે એક્સરસાઈઝ કરતી વખતે આ કપડાં પહેરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં જે સમયે કોરોના સંક્રમણ પીક પર હતો, તે સમયે કંપનીએ એલજે શીલ્ડ નામની એક પ્રોડક્ટ લોન્ચ કરી. આ પ્રોડક્ટને એવુ કહીને પ્રચારિત કરવામાં આવી કે, તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા કપડાંમાં કોરોના વાયરસને નષ્ટ કરવાની ક્ષમતા છે. આ કપડાંને ગ્રાઉન્ડબ્રેકિંગ ટેક્નોલોજી પર બનાવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં કંપનીના 108 સ્ટોર છે. આ ઉપરાંત, અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં પણ ઘણા સ્ટોર્સ કંપનીની પાસે છે.
ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રતિયોગિતા નિયામક એકમે લોર્ના જેન કંપની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. કંપનીની કો-ફાઉન્ડર લોર્ના જેન ક્લાર્કસન પર લોકોએ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ એક સ્થાનિક કોર્ટે કંપનીને દંડ ફટકાર્યો છે. દંડ ફટકારતી વખતે જજે કહ્યું કે, કંપનીએ ખોટી જાણકારી આપીને પોતાના ગ્રાહકોનું શોષણ કર્યું છે. કોર્ટની કાર્યવાહીમાં કંપનીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, લોર્ના જેન ક્લાર્કસને પોતાના માર્કેટિંગ અભિયાનમાં શબ્દોની હેરફેર કરી છે. જજે કહ્યું કે, કંપનીએ લોકોના જીવનની સાથે રમત રમી છે, કારણ કે ગ્રાહક સરળતાથી કંપનીઓના દાવાઓની સાતત્યતા ચકાસી નથી શકતા.
કંપનીએ કોર્ટને કહ્યું કે, તેઓ પણ એક સપ્લાયરની ભૂલનો શિકાર બન્યા છે. આ પ્રોડક્ટ તેમને એક વિશ્વસનીય સપ્લાયરે વેચી હતી. તેણે આ એક્ટિવવેરને લઈને જે દાવા કર્યા હતા, અસલમાં એવું કંઈ પણ નહોતું. સપ્લાયરે વિશ્વાસ અપાવ્યો હતો કે, એલજે શીલ્ડમાં હાઈટેક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે, કપડાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ છે. તેને કારણે અમને લાગ્યું કે, અમે ગ્રાહકોને લાભ પહોંચાડી રહ્યા છીએ. પરંતુ હકીકતમાં અમે પણ સપ્લાયરના ખોટા દાવાઓની જાળમાં ફસાયા હતા.