રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના પાટણ જિલ્લાના શંખેશ્વરમાં સામે આવી છે. જેમાં એક કાર નદીના પુલની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં ઇકો કારનું પડીકું વળી ગયુ હતું. તે સમયે કારનો અકસ્માત થયો ત્યારે કારમાં ૧૦ લોકો સવાર હતા.
જેમાંથી આઠ લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને બે લોકોના ઘટના સ્થળ પર જ ગંભીર ઇજાના કારણે મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ઘટના સ્થળની તપાસ બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.
માહિતી અનુસાર ૧૦ લોકો સૌરાષ્ટ્રની જાત્રા કરવા માટે ગયા હતા. આ લોકો સૌરાષ્ટ્રથી જ્યારે ઇકો કારમાં ભાભર તરફ જઈ રહ્યા હતા તે સમયે આ લોકોને અકસ્માત નડયો હતો. મોડી રાત્રે જ્યારે ઇકો કાર પાટણ જિલ્લાના શંખેશ્વરમાં રૂપેણ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી, તે સમયે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બેકાબુ થઇ ગઈ હતી અને કાર સીધી નદી પર બનાવવામાં આવેલા ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે નદીના પુલ પર બનાવવામાં આવેલું ઈંટનું ડિવાઈડર પણ તૂટી ગયું હતું. જો આ ડિવાઈડર ન હોત તો કાર તેના પાણીમાં ગરકાવ થઇ હોય.
આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને અન્ય લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને લઇને સ્થાનિક લોકોનું કહેવું છે કે, રૂપેણ નદી પર બનાવવામાં આવેલો પુલ સાંકડો છે અને એના કારણે રાત્રીના સમયે પૂરપાટ આવતા વાહનો માટે ગતિ મર્યાદા રાખવી તે ખૂબ જ અનિવાર્ય છે. સ્થાનિક લોકોએ એવું પણ કહ્યું હતું કે આ પુલ સાંકડો હોવાના કારણે ત્યાં વારંવાર અકસ્માત થાય છે.