105 સાક્ષીની ગવાહી પછી ગ્રીષ્મા હત્યા કેસમાં સરકાર પક્ષ દ્વારા અપાયુ કલોઝિંગ જાણો ક્યારે ચુકાદો મળવાની શક્યતા.

સુરત

સુરતના પાસોદરામાં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. સરકાર પક્ષ દ્વારા આ કેસમાં વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ક્લોઝિંગ આપવામાં આવ્યું છે. જેથી આજે આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવનાર છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે આવતા અઠવાડિયા સુધીમાં ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આવી જવાની શક્યતા રહેલી છે.

ઓડિયો અને વીડિયો ઓરિજિનલ હોવાની જુબાની
કામરેજ-પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણી વિરુધ્ધ એફએસએલ અધિકારીની છેલ્લી જુબાની લેવામાં આવી હતી. મોબાઇલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની જુબાની અપાઇ હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સાક્ષીઓને તપાસ્યા હતા અને બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી.

ગ્રીષ્માના પરિવાર દ્વારા આરોપી ફેનિલને કડક સજાની માગ કરવામાં આવી છે.

30મી માર્ચથી ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરાશે
સરકારપક્ષે 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની પૂર્ણ કરી 85 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારપક્ષના પુરાવા અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. આજે આરોપી ફેનિલ ગોયાણીના એફ.એસ.ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે. જ્યારે 30મી માર્ચથી આ કેસની ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરીને સરકારપક્ષ તથા બચાવપક્ષની દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચત્તમ અદાલતોના પ્રસ્થાપિત ચુકાદાના તારણો રજૂ કરશે.


ફેનિલે જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી હતી.

હત્યાના વીડિયો સહિતના પુરાવામાં ચેડાં નથી થયા
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ દ્વારા ગ્રીષ્માની હત્યા કરાઈ હતી તે હત્યાનું મોબાઈલ કેમેરા શુટિંગ થયું હતું. જ્યારે હત્યા બાદ ફેનિલ દ્વારા તેના મિત્રને ફોન કરીને મે ઓલીને મારી નાખી છે તું જલદી આવી આવ એમ જણાવતો ફોન કર્યો હતો. સાથે જ ફેનિલે માનેલી બહેનને પણ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી હું આજે પેલીને મારી નાખવાનો એવો મેસેજ કર્યો હતો. આ તમામ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેની સાથે કોઈ ચેડાં ન થયા હોવાની અધિકારીઓએ જુબાની આવી હતી.


ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *