અંબાજીનો ભાદરવી પૂનમના મેળા અંગે અનિશ્ચિતતા, સરકાર શું કરશે? , . અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ માને છે કે મેળો યોજવો કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લેશે.

Uncategorized

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનો ભાદરવી પૂનમનો મેળો સતત બીજા વર્ષે કેન્સલ થાય તેવી સંભાવના છે, જો કે આ મેળા અંગેનો નિર્ણય ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના હાથમાં છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ માને છે કે મેળો યોજવો કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લેશે. કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે પણ સરકારે ભાદરવી પૂનમનો મેળો રદ્દ કર્યો હતો.


આ વર્ષે ૧૩ થી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો આવે છે. આ મેળામાં દર વર્ષે ૩૦ થી ૩૫ લાખની જનમેદની એકત્ર થતી હોય છે. ગુજરાત ઉપરાંત મુંબઇ અને ચેન્નાઇથી વિવિધ સંઘ પગપાળા આ મેળામાં જોડાતા હોય છે. આ મેળામાં લાખોની મેદની આવતી હોવાથી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આ વર્ષે પણ મેળા અંગેની કોઇ તૈયારી શરૂ કરવામાં આવી નથી.

અંબાજીમાં ૨૦૨૦ માં અને ૨૦૨૧ માં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા જોવા મળી હતી. ગયા વર્ષે માર્ચ થી મે મહિના દરમ્યાન અંબાજીમાં કોરોનાના કારણે ૧૪ અને આ વર્ષે માર્ચ થી મે મહિના દરમ્યાન ૫૪ લોકોના મોત થયાં છે. અંબાજીના મેળા માટે એક મહિના અગાઉ ગુજરાતના માર્ગો પર પદયાત્રીઓ માટે સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે પણ આવા સેવા કેન્દ્રોની કોઇ ચહલ-પહલ જોવા મળતી નથી.


ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો હોય છે ત્યારે યાત્રાળુઓની સુવિધા માટેના કેન્દ્રો ઉપરાંત અન્ય સુવિધા માટેના ટેન્ડર બે મહિના પહેલાં બહાર પડતા હોય છે. દેવસ્થાન ટ્રસ્ટ મેળામાં સુવિધા માટે પ્રતિવર્ષ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરતું હોય છે. આ વર્ષે આવા કોઇ ટેન્ડર ઇસ્યુ થયા નથી.સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે હજી રાજ્ય સરકારે અંબાજીના મેળા અંગે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ આ વર્ષે પણ અંબાજીનો પ્રખ્યાત મેળો યોજાય તેવા કોઇ સંકેત જોવા મળતા નથી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ભાદરવી પૂનમના મેળા અંગેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે.


મંદિરના પૂજારીઓ પણ કહે છે કે લોકોની આસ્થા જોડાયેલી છે પરંતુ તેમના સ્વાસ્થ્યની તકેદારી પણ એટલી જ જરૂરી છે. સૂત્રો જણાવે છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના હોવાથી રાજ્ય સરકાર આ મહિનાની આખરમાં અંબાજીના મેળા અંગે યોગ્ય નિર્ણય લઇ શકે છે. ગયા વર્ષે પણ મેળો નહીં યોજવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *