ક્યારેક પાલતું પ્રાણીઓના કારણે લોકો વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદવાદના હેબતપુર રોડ પર સામે આવ્યો છે. અમદાવાદમાં હેબતપુર રોડ પર એક પાલતું શ્વાને બીજા શ્વાનને બચકું ભરી જતા બંને શ્વાનના માલિકો રસ્તા પર જ બાખડ્યા હતા. દોઢ કલાક સુધી બંને શ્વાનના માલિકો ઝઘડ્યા બાદ પોલીસે સમાધાન કરાવવા માટે વચ્ચે આવી પડ્યું હતું.
માહિતી અનુસાર અમદાવાદના હેબતપુર રોડ પર રહેતા એક અંકલ રાત્રે જમીને તેમના પાલતું શ્વાનને રસ્તા પર વોકિંગ કરાવવા માટે લઇને નીકળ્યા હતા. જે સમયે આ અંકલ તેમને શ્વાનને વોકિંગ કરાવતા તે સમયે અન્ય એક આંટી પણ તેમના પાલતું શ્વાનને લઇને રસ્તા પર નીકળ્યા હતા. જ્યારે આ અંકલ અને આંટીના શ્વાન એક બીજાની સામ-સામે આવ્યા ત્યારે બંને શ્વાનોએ એક બીજાની સામે ભસવાનું શરૂ કર્યું હતું. બંને શ્વાનો એક બીજાની સામે ભસ્યા બાદ એક બીજાની સાથે ઝઘડવા લાગ્યા હતા. તેવામાં બંને શ્વાનોએ એક બીજાને બચકું પણ ભરી લીધું હતું.
આ બન્ને પાલતું શ્વાનની લડાઈ પૂરી થયા પછી બંને શ્વાનના માલિકો અંકલ અને આંટી બંને ઝઘડવા લાગ્યા હતા. શ્વાનોએ એક-બીજાના બચકું ભર્યું હોવાના કારણે અંકલ અને આંટી એક બીજાની સાથે ઝઘડવા લાવ્યા અને અંગેજી ભાષામાં એક બીજાને ખરીખોટી સંભળાવવા લાગ્યા હતા. આંટી અને અંકલના ઝઘડાને લઈને રસ્તા પર લોકોના ટોળા એકઠા થઇ ગઈ ગયા હતા. આ વાત જ્યારે સોલા પોલીસ સ્ટેશન PI જાડેજાને દયાન પર આવી ત્યારે તેમને રસ્તા પર ઝઘડો કરનાર આંટી અને અંકલને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા.
ઝઘડો કરી રહેલી આંટી અને અંકલ પોલીસ સ્ટેશન જવા માટે તૈયાર ન થયા અને તેઓ PI જાડેજાની સાતેહ ફોન પર વારાફરતી વાત કરતા રહ્યા અને રસ્તા પર ઝઘડો કરતા રહ્યા હતા. આંટી અને અંકલના ઝઘડાના કારણે બંનેના પરિચિત વ્યક્તિઓ દ્વારા સોલા પોલીસ સ્ટેશનના PI જાડેજા પર ભલામણનો મારો ચાલ્યો હતો. થોડી જ વારમાં અડધો ડજન કરતા વધારે ફોન PI જાડેજાને આવ્યા હતા. પણ ઘટના સ્થળ પર જઈને કોઈ પણ વ્યક્તિ આંટી અને અંકલને સમજાવવા માટે તૈયાર ન હોતા. ત્યારબાદ ઝઘડો કરી રહેલા અંકલ અને આંટી બંનેએ દોઢ કલાક પછી જ સામેથી સમાધાન કરી લીધું હતું.