સુરત શહેરના અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર આવેલ ઓરેન્જ રેસીડેન્સી પાસે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે સવારે બે વર્ષની માસુમ બાળકી ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. તેના માતાપિતા બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. દરમિયાન એક કાર ચાલકે (અકસ્માત) કાર પલટી મારતાં બે વર્ષની માસૂમ બાળકીને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, મધ્યપ્રદેશમાં રહેતો રાજેશ વસુનીયા હાલ અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર ઓરેન્જ રેસીડેન્સી પાસે રહેતો હતો અને પોતાના જીવન નિર્વાહ માટે એક કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતો હતો.
ગઈકાલે રાજેશભાઈ અને તેમના પત્ની કામ કરતા હતા ત્યારે તેમની બે વર્ષની પુત્રી અંકિતા નજીકની ખુલ્લી જગ્યામાં રમતી હતી. આ સમયે જીજે.16.ડીએચ.1248 નંબરની ઇટેન કારનો ચાલક કારને રિવર્સ લઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે કારને રિવર્સમાં લઈ બે વર્ષની અંકિતાને કાર નીચે કચડી નાખી હતી.
કારનું ટાયર મોઢા પર ફરી વળતાં અંકિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમરોલી પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.