ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય દ્વારા માંડવી તાલુકાના બાડાગામ ખાતે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસના રોજ ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાડાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ ‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોઝ’ ની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત બાડાગામની બે આંગણવાડીઓમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે મહેંદી, ચિત્ર, વાનગી, વેસ્ટમાંથી બેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે કાર્યક્રમનું આયોજન બાડા મધ્યની હરિયા હાઇસ્કુલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ, હાઇસ્કુલના આચાર્ય અને નિવૃત જવાન પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલયના અધિકારી કે. આર. મહેશ્વરીએ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત આઇકોનિક વીકની ઉજવણી વિષે સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત નિવૃત જવાને તેમના જુના સંસ્મરણો યાદ કર્યા હતા અને તેમના કર્તવ્યો વિશે જાણકારી આપી હતી.
આ ઉપરાંત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ વિષય પર એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓને આઝાદીના ઈતિહાસથી માહિતગાર કરી શકાય. કાર્યક્રમના અંતે બે દિવસમાં આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.