રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈને આગાહી કરવામાં આવી હતી. આગામી 5થી 6 દિવસ સુધી રાજ્ય પર વરસાદનું સંકટ ન હોવાનું જણાવ્યું હતું પરંતુ અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી નવરાત્રિના પ્રથમ દિવસે જ અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી. અમદાવાદમાં પ્રથમ નોરતે વરસાદ પડતાં ઠેર-ઠેર જગ્યા પર ગરબા માટે બનાવવામાં આવેલા મંડપના ભીના ગયા હતા.
રાજ્યના હવામાન વિભા ગની આગાહી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, નવરાત્રીના અંતમાં ચોમાસુ ગુજરાતમાંથી વિદાય તરફ આગળ વધશે. મહત્ત્વની વાત છે, તે ૧૭ સપ્ટેમ્બર બાદ રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે પરંતુ આ વર્ષે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે.
તો રાજ્યના ૧૪ જિલ્લામાં સીઝનનો ૧૦૦% કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ જિલ્લાઓમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, વલસાડ, નર્મદા, ભાવનગર, બોટાદ, ભરૂચ, કચ્છ અને આણંદનો સમાવેશ થાય છે. જામનગરમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગરમાં 138%થી વધુ વરસાદ નોંધાયો છે.
ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. ત્યારે એવું લાગી રહ્યું હતું કે, રાજ્યમાં પાણીની અછત થશે પણ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી.