હાલમાં ચાલી રહેલી આઇપીએલ અશ્વિન અને મોર્ગન વચ્ચે વિવાદ થયો હતો. દિલ્હી કેપિટલ્સના દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિન અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈયોન મોર્ગનની વચ્ચે થયેલો વિવાદ થંભવાનું નામ લઇ રહ્યો નથી. મેદાન પર થયેલી આ બોલાચાલી બાદ ફેન્સે અશ્વિનને જવાબદાર ગણાવ્યો અને ખેલ ભાવનાને લઇ તેને લેક્ચર આપવાનું શરૂ કરી દીધું હતું. જોકે, વિવાદ વધતા અશ્વિને એક પછી એક ટ્વીટ કરી પોતાનો પક્ષ રજૂ કર્યો અને મોર્ગનની સાથે ટિમ સાઉધીને પણ જવાબદાર ગણાવ્યા.
શારજાહમાં અશ્વિન અને કેકેઆરના ખેલાડીઓની વચ્ચે ઓવર થ્રો પર રન લેવાને લઇ વિવાદ થયો હતો. સૌથી પહેલા અશ્વિન અને ટિમ સાઉધીની વચ્ચે બોલાચાલી થઇ. ત્યાર પછી કેકેઆરના કેપ્ટન ઈયોન મોર્ગનની સાથે પણ અશ્વિનની બોલાચાલી થઇ.
વાત એ છે કે, કેકેઆરના ફીલ્ડરે જ્યારે થ્રો કર્યો ત્યારે બોલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતના હાથ પર લાગીને દૂર ચાલી ગઇ અને અશ્વિને તેના પર રન લઇ લીધો. આનાથી કેકેઆરના કેપ્ટન ઈયોન મોર્ગન ખુશ જણાણો નહીં. આ કારણે ટિમ સાઉધી અને મોર્ગનની સાથે અશ્વિનની બોલાચાલી થઇ ગઇ.
ક્રિકબઝ સાથેની વાચચીતમાં સેહવાગે કહ્યું, હું આખા મામલામાં દિનેશ કાર્તિકને સૌથી મોટો દોષી માનું છું. મોર્ગને જે પણ કહ્યું તે વિશે જો કાર્તિકે વાત ન કહી હોત તો આટલો હંગામો ન થયો હોત. જો તે એ કહી દેત કે વધારે કશું થયું નથી માત્ર દલીલ થઇ હતી અને મેચમાં આવું થતું રહે છે તો પછી આટલો હંગામો ન થયો હોત.
અશ્વિને પણ ઈયોન મોર્ગનના નિવેદનને લઇ ટ્વીટ કરી અને પોતાનો પક્ષ રજૂ કર્યો. આ આખા વિવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે પણ અશ્વિનનો સાથ આપ્યો છે.