ગુજરાતના આઇપીએસ ઓફિસરો ડેપ્યુટેશન પર જવાનું વધારે પસંદ કરી રહ્યાં છે ત્યારે વધુ એક જાબાંઝ આઇપીએસ અધિકારી હિમાંશુ શુક્લાનો વારો આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કેન્દ્રમાં ડેપ્યુટેશન માટેની રાહ જોઇ રહેલા આ અધિકારીએ ગુજરાત અને અન્ય રાજ્યોના જટીલ ગુનાઓ ઉકેલ્યા છે, તેમની કામગીરી કરવાની પદ્ધતિ જોઇને તેમને કેન્દ્રમાં મોટું પોસ્ટીંગ મળી શકે છે.
હિમાંશુ શુક્લા હાલ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડમાં કામ કરી રહ્યાં છે. પોલીસના ઉચ્ચ વર્તુળોના જણાવ્યા પ્રમાણે હિમાંશુ શુક્લાને દિલ્હીમાં અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે તક આપવામાં આવી શકે છે. છેલ્લા બે વર્ષથી શુક્લાનું નામ કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહી, કેન્દ્ર તરફથી પણ તેમના નેશનલ પોસ્ટીંગને લીલીઝંડી મળતી રહી છે. ગમે તે સમયે તેમનું ડેપ્યુટેશન નક્કી છે.
યુપીએસસીમાં 54મો રેન્ક મેળવનાર શુક્લા ખડગપુર આઇઆઇટીમાંથી બી.ટેક થયેલા છે. તેમને આઇએએસ અધિકારી બનવાની તકો ઉજળી હતી પરંતુ તેમણે આઇપીએસ કેડર પસંદ કરી હતી. ગુજરાતમાં તેમને અનેક હાઇપ્રોફાઇલ કેસો સોંપવામાં આવેલા છે.
શુક્લાને અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ્સના કેસ પર કામ કરવાની તક મળી હતી જેમાં તેઓને ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. એ ઉપરાંત કમલેશ તિવારી હત્યાકાંડ, ગાંધીનગરનો સિરિયલ કિલર કેસ, ભરૂચ ડબલ મર્ડર કેસ, દરિયામાં થતી દાણચારીનો કેસ, મુંબઇ સિરિયલ બ્લાટ કેસ, કોલકત્તામાં અમેરિકન કોન્સ્યુલેટ પરના હુમલા તેમજ બેગલુરૂ ટેરર એટેક કેસમાં તેમણે સફળતા મેળવી છે.