આજરોજથી રાજ્યભરના ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાયો છે. જે અંતર્ગત ડભોઇ તાલુકાના બાણજ ગામે ગામના તેમજ આસપાસના ગામના બાળકોને એકત્રિત કરીને ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
ભારતીય વૈજ્ઞાનિકોએ ખૂબ જ ટૂંકા ગાળામાં સ્વદેશી વેક્સિન બનાવી તેમાં પણ બાળકો માટે ગણતરીના મહિનાઓમાં વેક્સિન ઉપલબ્ધ કરાવીને વૈશ્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિકોની સંશોધન શક્તિનો પરચો કરાવ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે,
૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે આરંભાયેલા રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના ૨૨ લાખથી વધુ બાળકોને બે હજારથી વધુ કેન્દ્રો ઉપર વેક્સિનેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે આજથી આરંભી દેવાઈ છે જેનો લાભ લઈ તેને સફળ બનાવવા સહકાર આપવો જોઈએ. બાળકોને શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોર્બેવેક્સ વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું .જ્યારે ૨૮ દિવસના અંતરાલ બાદ બાળકોને વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવીને રાજ્ય સરકાર પાસે કોર્બેવેક્ષ વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાંવ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી દેશભરમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશમાં ૧૮૦ કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતે પણ ૧૦ કરોડ ૪૭ લાખ ડોઝ કોરોના રસીકરણ દ્વારા રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ કરી સુરક્ષિત કર્યા છે. આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે રાજ્યના વાલીઓને બાળકોને કોરોનાની રસી અપાવીને કોરોના સામે સુરક્ષિત કરવા અનુરોધ કર્યો છે.
૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોના રસીકરણ પ્રસંગે બાણજ ગામના સરપંચ મોનાબેન રાજેશભાઈ બારોટ, તલાટી રાજેશભાઈ વાળંદ, ગ્રામ સેવક નિલેશભાઈ તડવી અને મિતેશભાઇ પરમાર (મલ્ટી પરપઝ હેલ્થ સેન્ટર, કાયાવરોહણ સેન્ટર), તેમજ ગામના આગેવાનને, વાલી મિત્રો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.