બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ખાતેથી બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, પાણી એ પરમાત્માનો પ્રસાદ છે, તેનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી સુજલામ- સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જળ એ જ જીવન એવું આપણે માનીએ છીએ ત્યારે પાણીના એક એક બુંદ નો સંગ્રહ કરી જળ સંચયના કામો કરવા જોઈએ. તેમણે કહ્યું કે, સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, આવનારી ભવિષ્યની પેઢીને પાણીથી સભર બનાવવા માટેનું આ જળ અભિયાન છે.
માનવજાતના પોષણ માટે કુદરતી સંપત્તિનો ઉપયોગ થાય છે પરંતુ તેનો દુરુપયોગ થાય તો તેનાં વિપરીત પરિણામો પણ ભોગવવા પડે છે. પાણીનું જળ ચક્ર વિક્ષેપિત થવાને કારણે આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ ઉદભવી છે. આ પાણીના ચક્રને ફરીથી સુનિયોજિત કરવાં માટે આ અભિયાન ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે. જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિરાટ અભિયાનની સફળતા માટે તેમણે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં થરાદ મામલતદાર. તાલુકા પંચાયતના અધિકારીઓ,ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ , દાંતિયા તથા આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં…