પાટણમાં ભૂવાએ વેક્સીન લેવાની ના પાડી, આરોગ્યકર્મીએ માતાજીની રજા લેવડાવી પછી

Uncategorized

કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ૨૪કલાકમાં ૧૪ હજાર કરતા પણ વધુ કેસ સામે આવતા હતા. પણ હવે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની કામગીરીના કારણે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા ખૂબ જ ઓછી છે તો નવા કેસ પણ ઓછા આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધે નહીં એટલા માટે સરકાર દ્વારા વેક્સીનેશને વેગ આપવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા પણ લોકો વધુમાં વધુ વેક્સીન લે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકોને વેક્સીન લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક જગ્યા પર લોકો અંધશ્રદ્ધાના કારણે વેક્સીન ન લેતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. માતાજીએ વેક્સીન લેવાની ના પાડી છે કહીને ભૂવાએ વેક્સીન લેવાની મનાઈ કરી હોવાની ઘટના સામે આવી હતી. તેવામાં પાટણના એક ગામમાં મહિલા આરોગ્યકર્મી દ્વારા એક ભૂવાને વેણ વધાવીને વેક્સીન લેવા માટે રાજી કરવામાં આવ્યા હતા.


માહિતી અનુસાર પાટણના દુધારામપુરા ગામમાં શુક્રવારના રોજ આરોગ્યકર્મીઓ દ્વારા લોકોને કોરોના વેક્સીન આપવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ગામમાં ૧૦૦% વેક્સીન શક્ય થાય તે માટે આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે ગામમાં રહેતા પ્રહલાદજી ઠાકોર નામના ભૂવાએ વેક્સીન લેવાની ના પાડી હતી. તેથી વેક્સીન આપવા માટે ગયેલા મહિલા આરોગ્ય કર્મચારી ભાર્ગવી જોશી અને ગામમાં સરપંચ દ્વારા ભૂવાજીને મનાવવામાં આવી રહ્યા હતા. તે સમયે ભૂવાએ હાથમાં માળા લઇને મહિલા આરોગ્યકર્મી પાસે વેણ અને વધવો માગ્યો હતો. ત્યારબાદ ભૂવા પ્રહલાદજી ઠાકોરે માળાના મણકા ગણીને માતાજીએ વેક્સીન લેવાની મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. અંતે ભૂવા પ્રહલાદ ઠાકોરે વેક્સીન લીધી હતી.


આ ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ ઘટનાને લઇને દુધારામપુરા ગામના સરપંચ અજીતસિંહનું કહેવું છે કે, અમારા ગામમાં ૩૦૦૦ લોકોની વસ્તી છે. ગામમાં ૧૦૦% વેક્સીનેશન થાય એટલા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે ઘરે-ઘરે ફરીને લોકોને વેક્સીન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ ગામમાં ૯૦% વેક્સીનેશન થઇ ગયું છે. લોકો વેક્સીન મેળવે એટલા માટે આરોગ્યકર્મીઓ સાથે મળીને અમે લોકોન મનમાં રહેલા ડરને દૂર કરીને વેક્સીન અપાવી રહ્યા છીએ. ત્યારે ગામમાં રહેતા એક ભૂવાને તેમની ભાષામાં મનાવીને વેક્સીન અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *