ઘણીવાર સરકારી કર્મચારી કે અધિકારી કાર્યવાહીના નામ પર એવું કામ કરી બેસે છે કે, તેમની ચર્ચા ચારેય તરફ થાય છે. આવું જ કંઈક મહારાષ્ટ્રના પુણેમાં સામે આવ્યું છે. જેમાં પોલીસે બાઈક ચાલક ની સાથે જ બાઈક ને ટો કરી લીધી હતી. આ ઘટના પુણેના નાના પેઠ વિસ્તાર ની છે. ગુરુવારે લગભગ સાંજે ૫ વાગ્યે બનેલી આ ઘટના ના ફોટા અને વિડિઓ વાયરલ થયા છે. આ બાબતે ટ્રાફિક પોલીસ ના કર્મચારીઓ બાઈક ને ટોઇંગ કરી રહ્યં હતા, ત્યારે બાઈક ચાલક જાણી જોઈને તેના બાઈક પર બેસી ગયો હતો.
આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા પછી લોકો ટ્રાફિક વિભાગના કામ કરવાની રીત પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. જે સમયે ટ્રાફિક વિભાગના અધિકારીઓ બાઈક ઉઠાવી રહ્યા હતા તે સમયે બાઈક ચાલક કહી રહ્યો હતો કે સર મારી બાઈક નો પાર્કિંગમાં નથી. હું બે મિનીટ રસ્તા પર ઉભો હતો. મેં બાઈક પાર્ક કરી જ નથી, હું જઈ રહ્યો હતો. એટલે મારા વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવે. આરોપ એ છે કે, બાઈક ચાલકના આટલું કહેવા છતાં પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓ ન માન્યા અને વ્યક્તિને બાઈક સહિત ઉઠાવી લીધો હતો.
આ ઘટનાના વીડિયો અને ફોટાઓ સામે આવ્યા પછી લોકો સવાલ એ ઉઠાવી રહ્યા છે કે, આ ઘટનામાં ભૂલ કદાચ બાઈક ચાલકની હોય છતાં પણ આ રીતે બાઈકની સાથે વ્યક્તિને ઉઠાવવો તે કેટલું યોગ્ય કહેવાય. જો બાઈક ચાલક કોઈ રીતે બાઈક પરથી નીચે પટકાયો હોત અને તેને કઈ થયું હોય તો તેનું જવાબદાર કોણ હોત? આ ઘટનામાં એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, પોલીસે આ ઘટનાનો વીડિયો ઉતારી રહેલા વ્યક્તિ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.
આ બાબતે ઘટના સ્થળ પર હાજર રહેલા અભિજિત ધાવલે નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, વ્યક્તિને નાના પેઠ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ખૂબ હેરાન પરેશાન કરી રહી છે. તેઓ દુકાનની સામે પાર્ક કરેલી ગાડી ઉઠાવીને લઇ જાય છે. પછી થોડી ઘણી લેણ-દેણ પછી તેઓ ચાલ્યા જાય છે. આ ઘટનાને લઇને ટ્રાફિક વિભાગના ડીસીપી શ્રીરામે જણાવ્યું હતું કે, નાના પેઠ વિસ્તારમાં બનેલી આ ઘટનો સંપૂર્ણ રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે. આ બાબતે તપાસમાં જો કોઈ દોષિત હશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.