બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય સ્વસ્થ છે. જોકે, શાહી પરંપરા અનુસાર તેમના નિધન બાદ અંતિમ સંસ્કારની તૈયારીઓનો સીક્રેટ પ્લાન લીક થવાને કારણે હડકંપ મચી ગયો છે. રિપોર્ટ અનુસાર, શુક્રવારે અમેરિકી ન્યૂઝ વેબસાઈટ પોલિટિકો પર કેટલાક દસ્તાવેજ સામે આવ્યા, જેમા મહારાણીના નિધનના થોડાં કલાક અને દિવસો બાદ મોટા સ્તર પર થનારા કાર્યક્રમોની યોજનાની જાણકારી આપવામાં આવી છે.
યોજના અનુસાર, મહારાણીના નિધન બાદ 10 મિનિટમાં વાઈટહોલના ઝંડા અડધા ઉતારી દેવામાં આવશે. પ્રિન્સ ચાર્લ્સ ટીવી પર જનતાને સંબોધિત કરશે અને ત્યારબાદ બ્રિટનના પ્રવાસે નીકળી જશે. અંતિમ સંસ્કાર કાર્યક્રમ 10 દિવસ ચાલશે. મહારાણીને પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે. આ તમામ વાતોનો ઉલ્લેખ પ્લાન ઓપરેશન લંડન બ્રિજમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ મહારાણીના નિધનના થોડાં મહિના બાદ તેમના ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સની તાજપોશીની ગુપ્ત યોજના (ઓપરેશન સ્પ્રિંગ ટાઈડ) પણ લીક થઈ છે.
લીક થયેલી માહિતીમાં મહારાણીના નિધનના દિવસે એટલે કે ડી ડેનું સંપૂર્ણ પ્લાનિગ દર્શાવવામાં આવ્યું છે. તે અનુસાર, નિધનની સૂચના તેમના અંગત સચિવ વડાપ્રધાનને આપશે. યોજનાનો ખુલાસો થવાને કારણે શાહી પરિવારમાં હડકંપ છે. બકિંઘમ પેલેસની નારાજગીને જોતા સરકાર તપાસના આદેશ આપી શકે છે. શાહી પરિવાર બાદ વડાપ્રધાન પહેલા વ્યક્તિ હશે જેમની સાથે આ વાત શેર કરવામાં આવશે. નિધનના કલાક બાદ મહારાણીને ગન સૈલ્યૂટ આપવામાં આવશે. શાહી પરિવાર મીડિયા દ્વારા આધિકારીક સૂચના આપશે કે મહારાણીના અંતિમ સંસ્કાર વેસ્ટમિંસ્ચર એબેમાં થશે. અંતિમ સંસ્કાર પહેલા ત્રણ દિવસ પાર્થિવ શરીર સંસદમાં રહેશે, જેથી સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.
દસ્તાવેજોમાં મહારાણીના મોત બાદની ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની યોજનાનો પણ ઉલ્લેખ છે. તેમા કહેવામાં આવ્યું છે કે, આ અવસરે ઈતિહાસમાં પહેલીવાર લંડન ખચાખચ ભરેલું હશે. ટ્રેન અને બસો ફુલ હશે. હોટેલોમાં ખૂબ જ ભીડ રહેશે. તેમજ ઈન્ટરનેટ યુગને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પ્લાન પણ અપડેટ કરવામાં આવ્યો છે. તે અનુસાર, રોયલ પરિવારની વેબસાઈટનું આખુ પેજ સંપૂર્ણરીતે બ્લેક કરી દેવામાં આવશે. સરકારના મંત્રિઓ અને વિભાગોએ સોશિયલ મીડિયા સંદેશા માટે પહેલા રાજકીય વિશેષજ્ઞો પાસેથી પરવાનગી લેવી પડશે, જેથી સંવેદનશીલ સમયમાં કોઈપણ પ્રકારની ગડબડ ના થાય. જ્યાં સુધી PM સંદેશ ના આપે, કોઈપણ સાંસદ સાર્વજનિક નિવેદન ના આપી શકશે. પ્લાનમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે, નિધનના દિવસથી લઈને આવનારા 10 દિવસ સુધી શું થશે. 10મો દિવસ રાષ્ટ્રીય શોક દિવસ હશે. જો તે દિવસે રજા ના હશે તો કંપનીઓ નક્કી કરી શકશે કે કર્મચારીઓને બોલાવવા કે નહીં.
એ સ્પષ્ટ નથી કે લંડન બ્રિજ ઈઝ ફોલન કોડવર્ડનો ઉપયોગ થશે કે નહીં. યોજના પહેલીવાર 1960માં બનાવવામાં આવી હતી. કોરોના કાળમાં તેને અપડેટ કરવામાં આવી. 95 વર્ષીય મહારાણી બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રાજ કરનારી વ્યક્તિ છે.