શહેર કોટડા પોલીસે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી
ગુજરાતની અસ્મિતા અમદાવાદ, તા.19
હોલિકાની પ્રદક્ષિણા ફરતી બહેન અને પત્ની પર ચાલીના જ એક યુવકે ધાણી અને અન્ય વસ્તુ ઓ ફેંકીને છેડતી કરી હતી. જો કે ફરિયાદી યુવકે તેની બહેન અને પત્ની સાથે આવું ના કરવા કહેતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો અને ફરિયાદીને છરીના ઘા મારી દીધા હતા. જેને લઈને શહેર કોટડા પોલીસે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
નરોડામાં રહેતા યુવકે ફરિયાદ નોંધાવી છે કે હોળીના દિવસે તેનો બહેન અને પત્ની હોળીની પ્રદક્ષિણા ફરી રહ્યા હતા ત્યારે ચંદ્રકાંત નામનો યુવક ત્યાં હાજર હતો.
ફરિયાદીની બહેન અને પત્ની પર ધાણી તેમજ અન્ય વસ્તુઓ ફેંકવા લાગ્યો હતો અને છેડતી કરવા લાગ્યો હતો. જોકે ફરિયાદીએ તેને આવું ન કરવા માટે કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી સાથે ઝઘડો કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.એવામાં ચાલીના અન્ય રહીશો તેમજ આરોપીના પિતા અને બે ભાઈઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
જ્યારે ચંદ્રકાંત તેની લોડીંગ રિક્ષા માંથી છરીઓ લઈને આવ્યો હતો. જેમાંથી એક છરી ચંદ્રકાંતભાઈ જ્યારે બીજી છરી તેના પિતાએ લઈને ફરિયાદીને મારતા તેઓને પેટના નીચેના ભાગે છરી વાગી હતી.ઝઘડામાં વચ્ચે પડેલા બે ઈસમોને પણ છરી વાગી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા આ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.