નોટબંધીના ૫ વર્ષ ૮ નવેમ્બરના દિવસે પૂરા થઇ ગયા. તેના ફાયદા અને નુકસાનની ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ આજે એક એવી વાત કરવી છે જે જાણવામાં તમને રસ પડશે. નોટબંધીમાં જે નોટો પરત આવી તેનું શું કરવામાં આવ્યું. તે ૫૦૦ અને ૧૦૦૦ની પરત આવેલી નોટોનું વજન હજારો ટન હતું. સૂત્રો જણાવે છે કે તે નોટોમાંથી અમુક નોટો મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકામાં ખંડિત પ્રતિમાને રીપેર કરવામાં કરાયો હતો.
નોટબંધી જાહેર થઇ ત્યારે લગભગ ૧૫.૪૧ લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ૫૦૦ અને ૧૦૦૦ના નોટ રદ્દી થઇ ગયા હતા. દેશમાં ત્યારે ચલણમાં રહેલી કુલ કરેન્સીના આ નોટ ૮૬ ટકા હતા. એટલે તેનું વજન ટનોબંધ હતું.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ લગભગ ૮૦૦ ટન વજનની નોટોને પ્રોસેસ કરીને તેને સાઉથ આફ્રિકા મોકલવામાં આવી હતી. આ નોટોને કેરળના ઉત્તરી માલાબાર વિસ્તારની એક પ્લાય બનાવતી ફેક્ટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ફેક્ટરીમાં નોટોના ટુકડા કરીને હાર્ડ બોર્ડ બનાવવામાં આવ્યા અને તે હાર્ડ બોર્ડને મહાત્મા ગાંધીની પ્રતિમાને રીપેર કરવામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ ભારતીય રીઝર્વ બેન્કે ચલણમાંથી બહાર થઇ ગયેલી નોટોને નષ્ટ કરવા માટે આખા દેશમાં ૨૭ શ્રેડિંગ સેન્ટર તૈયાર કરાવડાવ્યા હતા. આવું જ એક સેન્ટર માલાબાર જિલ્લામાં બનાવાયું હતું. તે માટે વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાઇવુડ લિમિટેડ નામની કંપનીને એક મહિના પહેલા જ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. આ ફેક્ટરી કુન્નુર જિલ્લામાં આવેલી છે. આ કંપનીએ નોટોના ટુકડા કર્યા પછી તેનો હાર્ડ બોર્ડ અને સોફ્ટ બોર્ડ બનાવવામાં ઉપયોગ કર્યો હતો.
કંપનીના પ્રવક્તાએ અખબારને જણાવ્યું હતું કે નોટબંધી આવી તે પહેલાથી જ કંપની આરબીઆઇની સાથે મળીને કામ કરી રહી હતી. ત્યારપછી તેમણે નોટોનો ઉપયોગ કરીને હાર્ડબોર્ડ બનાવવાનું નક્કી કર્યું હતું. તે માટે તેમણે આરબીઆઇમાં ટેન્ડર ભર્યું હતું. નોટબંધી આવી તે પહેલા પણ કંપની જૂની નોટોને નષ્ટ કરવાનું કામ કરતી હતી.
નોટોને નષ્ટ કરવાની આ છે પ્રોસેસ
નોટ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ જ પાતળું હોય છે. નોટોને નષ્ટ કરવા મોકલાય ત્યારે તેના ટુકડા કર્યા પછી તેના બ્રિકેટ્સ બને છે. આ બ્રિકે્ટસ બન્યા પછી તેને પાછા આરબીઆઇને મોકલવામાં આવે છે. ત્યારપછી આરબીઆઇ તેને પ્લાયબોર્ડ ફેક્ટરીમાં મોકલે છે. કારણ કે આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું પડે છે કે જે નોટ નષ્ટ કરવા માટે મોકલાય છે તે યોગ્ય રીતે નષ્ટ થયા છે કે નહીં તે જોવું જરૂરી છે. તેનો કોઇ ખોટો ઉપયોગ તો નથી થતો તેનું પણ જોવાની જવાબદારી આરબીઆઇની રહે છે.