ડાકોર મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત સેવા પૂજા કરવા બાબતે વિવાદ સામે આવ્યો છે. બે બહેનો ડાકોર મંદિરમાં સેવા પૂજાનો અધિકાર મેળવવા માટે પહોંચતા જ આ વિવાદ સામે આવ્યો છે. બંને બહેનોને મંદિરમાં તાળા લગાવીને સેવા પૂજા કરવા માટે જતી અટકાવવામાં આવી હતી. તો બંને બહેનો દ્વારા સેવા પૂજા માટે કોર્ટનો ઓર્ડર લઇને આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બંને બહેનો મંદિરના સ્વર્ગથ પૂજારી કૃષ્ણલાલ સેવકની દીકરી છે. તેમને સીધા વારસદાર તરીકે મંદિરમાં ઠાકોરજીની પૂજા કરવાનો અધિકાર માગ્યો છે.
મહત્ત્વની વાત છે કે, ડાકોર મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ પણ મહિલાએ પૂજા કરવાનો અધિકાર માગ્યો નથી. આ બંને બહેનોના નામ ઇન્દિરાબેન અને ભગવતી બહેન જોવાનું જાણવા મળ્યું છે. સાથે જ બંને બહેનોએ તેમના વંશ પરંપરાગત વરાદારી જાહેર કરવામાં આવે તેવી માગણી કરી છે. આ બંનેને સગો ભાઈ ન હોવાના કારણે મંદિરમાં સેવા કરવાનો અધિકારી માગી રહી છે.
પૂજારીનું કહેવું છે કે, ડાકોર મંદિરના ઈતિહાસમાં કોઈ પણ મહિલાએ મંદિરમાં પૂજા કરી નથી. આ વિવાદને લઇને ડાકોર મંદિરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર અરવિંદ મહેતાએ જણાવ્યું હતું કે, નીચલી કોર્ટથી લઇને તેમને જે દાવાઓ કરેલા છે તે તમામ દાવાઓ ડીસમીસ થઇ ગયા છે. તેમનો એક દાવો નડીયાદની કોર્ટમાં ચાલુ છે. તેમાં કોઈ જજમેન્ટ આપવામાં આવ્યું નથી. તેમની પાસે કોર્ટનો આદેશ નથી એટલે મંદિરે તેમનો પ્રવેશ અટકાવ્યો છે.