બનાસકાંઠાના ધાનેરામાંથી એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્ન કરીને આવેલી દુલ્હને પરિવારને રૂ.૮ લાખનો ચુનો લગાવ્યો છે. દુલ્હને પોતાની માતા બીમાર હોવાનું કહીને રૂ.૮ લાખ ખંખેરી લીધા છે. આ કેસમાં દુલ્હન સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદમાંથી લૂંટરી દુલ્હનનો કેસ આવ્યા બાદ હવે રાજ્યના બીજા જિલ્લાઓમાંથી પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
ધાનેરાનો એક પરિવાર આ જ રીતે યુવતીની માયાજાળમાં ફસાઈને આર્થિક રીતે ખોટ ખાઈ બેઠો છે. યુવતીએ લગ્ન કરી લીધા બાદ બીમાર માતાનું બહાનું કરીને લાખો રૂપિયા ખંખેરી લીધા છે. આવા કેસ બને છે ત્યારે આબરૂ જવાના ડરે પોલીસ ફરિયાદ થતી નથી. ધાનેરા ગામના અંબિકા નગરમાં શિવરામ ત્રિવેદીના પુત્ર રાજેશ સાથે આ કેસ થયો છે. રાજેશની પત્નીએ છૂટાછેડા લઈ લેતા પરિવાર એક યુવતીની શોધમાં હતો. નજીકના સગા અને રામસણ ગામના વતની હસમુખ ત્રિવેદીએ લગ્ન અંગે ગોઠવી આપ્યું હતું.
પરિવારજનો અને રાજેશ સહમત થતા થોડા દિવસોમાં નવી યુવતી પણ શોધી આપી હતી. રાજેશના લગ્ન કવિતા નામની યુવતી સાથે લેવાયા હતા. ધાનેરા પાસે આવેલા ચારડા ગામે પૂજારીની હાજરીમાં ફેરા લેવાયા હતા. એ પછી લગ્ન ખર્ચનું કહીને હસમુખ ત્રિવેદીને પરિવારે હાથખર્ચના રૂ.૧૦ હજાર અને લગ્ન પેટે રૂ.૩ લાખ આપ્યા હોવાનું સભ્યોએ કહ્યું હતું. લગ્ન થયા બાદ હસમુખ ત્રિવેદી અને સરોજ મોચી બંને વ્યક્તિઓ કવિતાને સાસરામાં મૂકી ગયા હતા.
લગ્ન થયાના થોડા દિવસ બાદ એની માતા બીમાર હોવાનું કહીને હસમુખ તથા સરોજ કવિતાને સાસરેથી લઈ ગયા હતા. કવિતા સાથે અન્ય બે શખ્સો સાસરામાં આવ્યા હતા. બીમાર માતા માટે રૂ.૫ લાખની માગ કરતા હતા. પરિવાર વિશ્વાસમાં આવીને રૂ.૫ લાખ આપી દીધા. થોડા દિવસો પસાર થયા બાદ કવિતા સાસરિયે પરત ન આવી. કવિતાને ફોન કર્યો ત્યારે આવી જઈશ એવું કહેતી રહી. લાંબો સમય વીતવા છતા કવિતા ઘરે પરત ન આવી. પરિવારને છેત્તરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેના કારણે યુવકની માતા શારદાબેન ત્રિવેદીએ ધાનેરા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.