વડોદરાના અટલાદરા સ્વામીનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણન દર્શન કરવા ગયેલા ભાજપ સરકાર મંત્રી એક યુવકને પગે લાગ્યા હતા. આ યુવકે માત્ર ભાજપના મંત્રીના ચંપલ લાવીને આપ્યા હતા. યુવકે ચંપલ લાવી આપ્યા હોવાના કારણે ભાજપના મંત્રી યુવકને પગે લાગ્યા હતા. આ મંત્રીનું નામ રાજેન્દ્ર ત્રિવેદી છે. તેઓ રાજ્ય સરકારના કાયદા અને મહેસુલ મંત્રી છે.
માહિતી અનુસાર રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના થયા બાદ મંત્રીમંડળના મંત્રીઓ અલગ-અલગ સ્થળ પર જઈને જન આશિર્વાદ યાત્રા કરી રહ્યા છે. ત્યારે કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જન આશિર્વાદ યાત્રા માટે વડોદરા પહોંચ્યા હતા. તેઓ વડોદરામાં અટલાદરામાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. મંદિર બહાર તેઓ ચંપલ કાઢીને મંદિરમાં ગયા હતા. તેઓ જ્યારે મંદિરના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેમને જોયું તો તેમના ચંપલ નજીક પડ્યા હતા. તેથી કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને સવાલ કર્યો કે તેમના ચંપલ કોણ નજીક લાવ્યું.
મંત્રીના સવાલનો જવાબ આપતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારા ચંપલ ધીરજ બ્રહ્મભટ્ટ નામનો યુવક ઉપાડીને લાવ્યો છે. તેથી રાજેન્દ્ર ત્રિવેદી ધીરજને પગે લાગ્યા હતા. ધીરજે મંત્રીના ચંપલ ઉઠાવ્યા હોવાના કારણે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમની સજ્જનતાનો પરિચય આપ્યો હતો. રાજેન્દ્ર ત્રિવેદી જ્યારે આ યુવકને પગે લાગ્યા ત્યારે યુવક અને રાજેન્દ્ર ત્રિવેદી બંને ભાવુક થઇ ગયા હતા. સ્વામીનારાયણ મંદિરે ભગવાનના દર્શન કરીને અને કોઠારી સ્વામીને વંદન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા બાદ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બીજા દિવસની જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
મહત્ત્વની વાત છે કે, રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ઠેર-ઠેર જગ્યા પર લોકોએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. પણ આ યાત્રામાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થયો હતો.