ગાંધીનગર પાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે, ભાજપ માટે કેમ છે પ્રતિષ્ઠાનો જંગ

Uncategorized

કોરોના સંક્રમણના કારણે સ્થગિત કરવામાં આવેલી ગાંધીનગર મહાનગરની ચૂંટણી આગામી સપ્તાહે ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવના છે. આ ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચે સ્થગિત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત જોતાં હવે આ ચૂંટણી યોજાઇ શકે છે.

ગાંધીનગર સહિત ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યાં હોવાથી રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે. જે બેઠકમાં ઉમેદવારનું અવસાન થયું છે તે બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવા માટેનું નોટીફિકેશન જાહેર થશે પરંતુ તમામ 44 બેઠકો માટે નવું નોટિફિકેશન જાહેર થવાની સંભાવના દેખાતી નથી.રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે નવરાત્રી પહેલાં આ ચૂંટણી પૂર્ણ કરવા અમે સજ્જ છીએ.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે 11 વોર્ડની 44 બેઠકો ઉપર 280 થી વધુ મતદાન મથકોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પંખીયો જંગ થવાનો છે. આ મહાનગરના 2.82 લાખ મતદારો શહેરના 44 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં હજી ચળવળ શરૂ થઇ નથી.

ભાજપ સામે આ ચૂંટણીમાં સૌથી મોટો પડકાર પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો તેમજ મોંઘવારી છે. કોંગ્રેસ પાસે યુવાનોને રોજગારી અને ખેડૂતોના પ્રશ્નો જેવી સમસ્યાઓ છે, જ્યારે આમ આદમી પાર્ટીનો સીધો પલટવાર ભાજપના શાસન સામે છે. ચૂંટણી જાહેર થયા પછી ગાંધીનગરનું રાજકીય ધમાસાણ શરૂ થવાનું છે. રાજ્ય ચૂંટણી પંચ તરફથી ગાંધીનગર મહાનગરપાલિકા માટેની ચૂંટણીનો મોટો પડકાર એટલા માટે છે કે તેણે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરાવવાનું છે.

હાલ ગાંધીનગરની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાઇ રહી છે. ગાંધીનગરનું મહત્ત્વ દિલ્હી જેવું છે. ત્યાં જેની સરકાર બનશે તેની મનોવૈજ્ઞાનિક અસર આખા ગુજરાતના મતદારો પર પડી શકે છે. એટલે હાલ ગાંધીનગર જીતવું ભાજપ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો વિસ્તાર છે. એટલે પણ તેનું મહત્ત્વ વધી જાય છે. ગાંધીનગરના મતદારો પણ રાજકીય રીતે જાગરૂક છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે બાજપના હાર આપી હતી. જોકે, પછીથી પક્ષપલટો કરીને કોંગ્રેસના કાઉન્સિલર મેયર બની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *