આજે પણ અહીંના માછીમારો દરિયામાં માછલી પકડવા જતા પહેલા મત્સ્ય માતાના મંદિરે જઈને આશીર્વાદ લે છે.
સનાતન ધર્મમાં દેવતાઓની ૩૩ શ્રેણીઓ છે. આપણે દરેક સ્વરૂપે ભગવાન અને પ્રકૃતિની પૂજા કરીએ છીએ. પાણી, અગ્નિ, ગાયની જેમ અનેક ઉદાહરણો છે જેમાં આપણે જોઈએ છીએ કે વિવિધ વસ્તુઓને પૂજનીય માનવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાતના વલસાડમાં વ્હેલની પૂજા કરવામાં આવે છે. આ મંદિર કોઈ આધુનિક સમયનું નથી પરંતુ 300 વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે તે ગામના માછીમારોએ બાંધ્યું હતું.
એવું માનવામાં આવે છે કે ૩૦૦ વર્ષ પહેલા આ ગામમાં પ્રભુ ટંડેલ નામના વ્યક્તિ રહેતા હતા. તેણે એક રાત્રે સપનું જોયું કે એક માછલી દરિયા કિનારે આવી છે. આ માછલી ઘણી મોટી હતી અને થોડી જ વારમાં દેવીનું રૂપ ધારણ કરીને કિનારે પહોંચી જાય છે, પરંતુ જમીન પર પહોંચતા જ તે મરી જાય છે.
સવારે ઉઠીને પ્રભુ ગ્રામજનો સાથે કિનારે પહોંચ્યા તો જોયું કે ત્યાં ખરેખર એક મરેલી માછલી હતી. તે એક વિશાળ વ્હેલ માછલી હતી. જ્યારે પ્રભુ ટંડેલે બધાને તેમના સ્વપ્ન વિશે જણાવ્યું, ત્યારે તેમણે તે માછલીને દેવીનો અવતાર માનીને કિનારે એક વિશાળ મત્સ્ય માતાનું મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી. બાદમાં તે માછલીને કિનારા પાસે જ દાટી દેવામાં આવી હતી. અને તે વ્હેલના હાડકાઓ બહાર કાઢીને મંદિરમાં રાખવામાં આવ્યા હતા.
આજે પણ અહીંના માછીમારો દરિયામાં માછલી પકડવા જતા પહેલા મત્સ્ય માતાના મંદિરે જઈને આશીર્વાદ લે છે જેથી તેઓ પરેશાનીઓથી બચી શકે અને વધુને વધુ માછલીઓ પકડી શકે.