આમ તો દર મહિને એક પૂનમ આવે છે અને તે દરમિયાન ભગવાન સત્યનારાયણ, લક્ષ્મી માતા કે દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરાધાની ભવ્ય રાસલીલાની શરૂઆત થઇ હતી તેવું માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે કૃષ્ણ ભગવાને નવ લાખ ગોપીઓ સાથે અલગ અલગ રૂપમાં આવીને વ્રજમાં મહારાસ રચ્યો હતો. માટે શરદ પૂનમ મહત્વ વધુ વધી જાય છે.
શરદ પૂનમને રસ પૂર્ણિમા અને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે રાખવામાં આવતા વ્રતને કૌમુદી વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ચંદ્રમાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાનો જન્મ શરદ પૂનમ ના દિવસે થયો હતો માટે દેશના ઘણા ભાગોમાં આ દિવસે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. કુંવારી છોકરીઓ આ દિવસે સવારે સૂર્ય અને ચંદ્ર દેવની પૂજા અર્ચના કરે તો તેમને મનપસંદ વ્યક્તિ મળે છે તેવું માનવામાં આવે છે.
શરદ પૂનમના દિવસે સોર કલાઓ થી ખીલીને ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ” પુષ્ણમિ ચૌષધિ: સર્વા: સોમો ભૂત્વા રસાત્યમક:” મતલબ કે અમૃતમય ચંદ્રમા થઇને સંપૂર્ણ વનસ્પતિને પુષ્ટ કરું છું. આ રાતે ચંદ્રમાનું અજવારું સૌથી તેજ અને ઉર્જાવાન હોય છે. તેમના કિરણોમાંથી અમૃત વર્ષે છે તેવું માનવામાં આવે છે. તેમના ઉજ્જવળ કિરણોથી ફળ, ફૂલ, ઝાડ અને અન્ય પાક પર અમૃત્વનો પ્રભાવ પડે છે. જેનાથી આપણા જીવને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આ રાત્રે જે લોકો લક્ષ્મી માતાની પૂજા કરે છે તેમને તેમની કુંડરીમાં ધન યોગ ન હોય તો પણ લક્ષ્મી માતા ધન ધાન્યથી પરીપૂર્ણ કરી દેતા હોય છે. જે લોકો આ રાત્રે જાગીને લક્ષ્મી માતાની ઉપાસના કરે છે તેમના પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. લક્ષ્મી માતા જોવે છે કે પોતાના કર્મોને લઈને કોણ જાગૃત છે. આ કારણોથી શરદ પૂનમનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.