હવામાન વિભાગ દ્વારા ઠંડી અને કમોસમી વરસાદ ને લઈને ફરીવાર એક આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યમાં ચોમાસુ બારમાસી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં વારંવાર બદલાવ આવી રહ્યો છે જેના કારણે તેની સીધી અસર ખેડૂતો પર વર્તાય છે અને ખેડૂતો ચિંતિત થઈ જતાં હોય છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ નું માનવું છે કે ઉત્તર ભારતમાં 4 થી 11 જાન્યુઆરી માં વરસાદી ઝાપટા અને હિમવર્ષા પડી શકે છે. જેના કારણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં વાતાવરણ બદલાશે અને માવઠું થઈ શકે છે.
આગાહીના ભાગરૂપે ગુજરાત માં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં 5 જાન્યુઆરીએ વરસાદ પડી શકે છે. તે સિવાય મધ્ય ગુજરાત અને કચ્છમાં અસર પડી શકે છે. વારંવાર વાતાવરણમાં પલટો થવાના કારણે ખેતીના પાકોને નુકસાન થઈ શકે છે. જેવા કે જીરું, વરિયાળી અને શાકભાજીના વાવેતરમાં અસર થઈ શકે છે.
આવી રીતે વાતાવરણ બદલાવાના કારણે સ્વાસ્થ્ય પર પણ અસર પડતી હોય છે. આવી બેવડી ઋતુના કારણે શરદી ખાસી જેવી બીમારીઓ થતી હોય છે. તેના ભાગરૂપે દરેકે પોતાની તકેદારી રાખવી જોઈએ.