ગુજરાતમાં હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના નિવેદન સામે હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની સામે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વિરોધના સુર જોવા મળ્યા. હાર્દિક પટેલે આ પોસ્ટના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને જાતીના આધારે માગવાનું બંધ કરવાનું કહ્યું છે.
હાર્દિક પટેલે પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું તમારા જેટલો અનુભવી નથી પરંતુ એક યુવા પેઢી તરફથી આપ સૌને નિવેદન કરું છું કે પ્રદેશનું નેતૃત્વ જાતીના આધારે માગવાનું બંધ કરો. ગુજરાત આપણા સૌની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે. મારી જાતીના મુખ્યમંત્રી, તારી જાતીના મુખ્યમંત્રીની વાત કરી કર્મભૂમિનું અપમાન ના કરવું જોઈએ. કોઈએ કીધું મને પાટીદાર મુખ્યમંત્રીની જોઈએ, કોઈએ કીધું ઠાકોર, કોઈએ કીધું આદિવાસી તો કોઈએ કીધું દલિત. પરંતુ ગુજરાત માગે છે ગુજરાતનો મુખ્યમંત્રી. મેં પહેલા પણ કીધું છે કે કોઈ પણ સમાજનો મુખ્યમંત્રી ગુજરાતના અન્ય દુ:ખી સમાજનું કામ ના કરતો હોય તો તે મુખ્યમંત્રી કોઈ કામ નો જ નહીં. આપણે એવો મુખ્યમંત્રી જોઈએ જે તમામ સમાજ અને ખાસ આપણા મહાન ગુજરાતના સૌ લોકોનું ભલું કરી શકે. મારું આ નિવેદન સ્વીકારી સર્વ પક્ષના નેતાઓ હવે જાતી ધર્મની વાત બંધ કરી ખેડૂતો, યુવાનો અને મહાન ગુજરાતના લોકોની વાત કરશે એવી આશા રાખું છું.
મહત્ત્વની વાત છે કે, ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપ્યું હતું કે, તમે ખૂબ રાજ કર્યું હવે અમને રાજ કરવા દો. સાથે જ ભરતસિંહ સોલંકીએ તેમના નિવેદનમાં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી હતી. પક્ષના જ બે મોટા નેતાઓના વિરોધાભાષી નિવેદન સામે આવતા હાર્દિક VS ભરતસિંહ સોલંકીનો કોંગ્રેસમાં જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ દોલતજી મહારરાજના સન્માન સમારોહમાં હાજરી આપી હતી તે સમયે નિવેદન કરતા તેમને જણાવ્યું હતું કે, છેલ્લા 25થી 30 વર્ષથી ગુજરાતની ગાદિ બીજા સંભાળી રહ્યા છે અને તેઓ બીજાને સંભાળી રહ્યા છે. તેના કારણે રાજ્યમાં કોને લાભ થયો, કોણ આગળ વધ્યું અને કોનું શું થયું. એટલે હવે બાકીના લોકોએ એટલે કે આપણે આગળ આવું છે ત્યારે નોકરીની વાત હોય, ભણતરની વાત હોય, ખેતીની વાત હોય, જનજીવનની વાત હોય, ધંધાની વાત અને આરોગ્યની વાત હોય તો તેમાં આગળ આવવું હોય તો શું કરાય? તમે ખૂબ રાજ કર્યું, હવે અમને રાજ કરવા દો પછી તમે જુઓ પરિવર્તન. અમે ધર્મ, જાતી આ બધું ભૂલીને આખા ગુજરાતનું કલ્યાણ કરીશું. અમે કહી રહ્યા છીએ કે અમને સત્તા આપો. અમને એટલે કોઈ વ્યક્તિગત રીતે આપણે વાત નથી કરતા. આજથી 25થી 30 વર્ષ પહેલા કોંગ્રેસનું રાજ હતું ત્યારે અમરસિંહ ચૌધરી, માધવસિંહ સોલંકી અને જે મુખ્યમંત્રીની સત્તા હતી તે વખતે તે રાજ ચાલતું હતું તે કેવુ અને આજે રાજ કેવું છે તેની સરખામણી આપણે લોકોને કરાવવાની છે.